બુરખા પહેરીને પિતા-પુત્રે કમ્પ્યૂટર સ્ટોરમાં 80 લાખના સ્પેરપાર્ટ્સની ચોરી કરી, પછી શું થયું?
બેંગલુરુ, 20 માર્ચ, 2026: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પોલીસે ચોરીની એક અજીબોગરીબ ઘટનાનો પર્દાફાશ કરીને પિતા-પુત્રની જોડીની ધરપકડ કરી છે. આ ધાડપાડુઓએ પોતાની ઓળખ છુપાવવા માટે બુરખો પહેરીને એક કોમ્પ્યૂટર શોપમાંથી આશરે 80 લાખ રૂપિયાની કિંમતના કોમ્પ્યૂટર પાર્ટ્સની ચોરી કરી હતી.
ઘટનાની વિગતો
આ મામલો શહેરના ગોવિંદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના HBR લેઆઉટનો છે. ગત 13 માર્ચની રાત્રે ‘નિતિત કોમ્પ્યુટર્સ’ નામની દુકાનમાં આ ચોરી થઈ હતી. દુકાન માલિક રઘુ જી. એ જ્યારે બીજા દિવસે સવારે દુકાન ખોલી ત્યારે તેમને જાણ થઈ કે દુકાનનું શટર ખુલ્લું છે અને અંદરથી કિંમતી સામાન ગાયબ છે.
બુરખો પહેરીને આવ્યા હતા આરોપી
પોલીસે દુકાનના CCTV ફૂટેજ તપાસ્યા ત્યારે તેમાં બે વ્યક્તિઓ બુરખો પહેરીને દુકાનમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. તેમણે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને શટર ખોલ્યું હતું અને માત્ર 6 મિનિટની અંદર રોકડ અને કિંમતી કોમ્પ્યુટર પાર્ટ્સ લઈને ફરાર થઈ ગયા હતા. ફિંગરપ્રિન્ટ્સ ન રહી જાય તે માટે તેમણે હાથમાં મોજા પણ પહેર્યા હતા.
કોણ છે આરોપીઓ?
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મુખ્ય આરોપી 21 વર્ષીય હેમંત એમ. છે, જે તે જ દુકાનનો ભૂતપૂર્વ કર્મચારી હતો. પગારના વિવાદને કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, જેનો બદલો લેવા માટે તેણે પોતાના 45 વર્ષીય પિતા મંજુનાથ એમ. સાથે મળીને આ ચોરીનો પ્લાન બનાવ્યો હતો.
પોલીસે ટેકનિકલ તપાસ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ બંનેની ધરપકડ કરી લીધી હતી. તેમની પાસેથી નીચે મુજબનો સામાન મળી આવ્યો છે:
444 DDR4 RAM યુનિટ્સ, 279 SSD (સોલિડ સ્ટેટ ડ્રાઈવ), આશરે 2.29 લાખ રૂપિયા રોકડા જેવો મુદ્દા-માલ કબજે કર્યો છે.
ચોરી કરાયેલા આ તમામ સામાનની કુલ કિંમત આશરે 80 લાખ રૂપિયા હોવાનું અંદાજવામાં આવ્યું છે. આરોપીઓએ આ સામાન મંજુનાથની કરિયાણાની દુકાનમાં છુપાવી રાખ્યો હતો. હાલમાં બંને આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.


