નવી દિલ્હીઃ ભારતના ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના 11 થી 13 એરબેસ પર સચોટ હુમલા કર્યા હતા, જેના કારણે પાકિસ્તાનને ભારે નુકસાન થયું હતું. આ હુમલાથી ડરીને હવે પાકિસ્તાન પોતાની એરફોર્સની સુરક્ષા માટે ભૂગર્ભ (અંડરગ્રાઉન્ડ) એરબેસ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ એરબેસ પહાડી વિસ્તારોમાં અથવા જમીન હેઠળ બનાવાશે જેથી તે હવાઈ તથા મિસાઇલ હુમલાઓથી વધુ સુરક્ષિત રહે. આ એરબેસ પર F-16, JF-17 અને Mirage-5 જેવા ફાઇટર જેટ્સ, સાથે સાથે AWACS અને UAVsને પણ સલામત રીતે રાખી શકાશે. આ રીતે પાકિસ્તાન કોઈ મોટા હુમલા પછી પણ પોતાની વાયુશક્તિ જાળવી રાખી શકશે.
પાકિસ્તાન હાલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને વિદેશી સહાય પર નિર્ભર છે. આવા સમયે ભૂગર્ભ એરબેસ બનાવવા માટેનો ખર્ચો ખૂબ મોટો છે અને સમયસાપેક્ષ પણ છે. સાથે જ, રનવે અને ટેક્સીવેય પર હજી પણ હુમલાનો ખતરો રહેશે. જો રનવે નષ્ટ થાય તો વિમાનો ઉડાન નથી ભરી શકતા. ભારતના આ ઓપરેશનમાં પાકિસ્તાનને અનેક મહત્વના નુકસાન સહન કરવાના આવ્યા હતા.
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતે પાકિસ્તાનના કમાન્ડ-એન્ડ-કન્ટ્રોલ સેન્ટર અને રડાર સાઇટ્સને નિશાન બનાવ્યાં, જેના કારણે પાકિસ્તાનની તૈયારીઓની ખામીઓ સ્પષ્ટ થઈ ગઈ. બે AWACS વિમાનોના નષ્ટ થવાથી પાકિસ્તાનની અગાઉની ચેતવણી આપતી સિસ્ટમ (અર્લી વોર્નિંગ સિસ્ટમ) પણ નબળી પડી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે દશેરાના દિવસે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, સર ક્રીક વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો દુસ્સાહસ કરશે તો એવો જવાબ આપવામાં આવશે કે “ઈતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે”. તેમણે કહ્યું કે “પાકિસ્તાનને યાદ રાખવું જોઈએ કે કરાચી જવાનો એક રસ્તો સર ક્રીકમાંથી પણ જાય છે.”
તાજેતરમાં ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે જો પાકિસ્તાનને પોતાનો ભૂગોળ જાળવવો છે તો તેને આતંકવાદી પ્રવૃત્તિઓથી દૂર રહેવું પડશે. તેમણે સ્પષ્ટ કર્યું કે આગામી ઓપરેશનમાં ભારત “સંયમ નહીં રાખે” અને જરૂર પડી તો પાકિસ્તાનનો ભૂગોળ પણ બદલાઈ જશે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એ.પી. સિંહે પણ કહ્યું કે ‘ઓપરેશન સિંદૂર’ દરમ્યાન ભારતીય હુમલામાં અમેરિકન F-16 જેટ સહિત ઓછામાં ઓછા એક ડઝન પાકિસ્તાની સૈન્ય વિમાનો નષ્ટ અથવા ગંભીર રીતે નુકસાનગ્રસ્ત થયા હતા.
‘ઓપરેશન સિંદૂર’એ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેના પરંપરાગત એરબેસ અને સામાન્ય હેંગર હવે પૂરતા નથી. ભારતની કડક ચેતવણી અને સરહદ પરની સક્રિય તૈયારી વચ્ચે હવે પાકિસ્તાન પોતાના લડાકુ વિમાનોની લાંબા ગાળાની સુરક્ષા માટે ભૂગર્ભ અને મજબૂત એરબેસ બનાવવાની તૈયારીમાં છે.