Site icon Revoi.in

સરકારી અને સહકારી બેન્કોએ એક દિવસમાં ચેક ક્લિયરિંગના કરાયેલા વાયદાનો ફિયાસ્કો

Social Share

અમદાવાદઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સરકારી બેન્કો, કો-ઓપરેટિવ બેન્કો, સહકારી બેન્કો સહિતની બેન્કોમાં ચોથી ઓક્ટોબરથી જ ચેક જમા કરાવ્યાના બે જ કલાકમાં નાણાં જમા આપી દેવાની મોટે ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી. પણ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. ખાતેદારોને તેમના ડેબિટ થઈ ગયેલા નાણાં ચાર-ચાર કે પાંચ પાંચ દિવસ સુધી જમા મળતાં જ નથી. પરિણામે ખાતેદારોની નારાજગી વધી રહી છે.

રાષ્ટ્રિયકૃત સરકારી બેન્કોમાં ચેક જમા કરાવ્યાના ચાર દિવસે પણ નાણા ક્રેડિટ થતા નથી. તેના લીધે ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા છે. કંપની એકાઉન્ટ હોલ્ડરોના કર્મચારીઓને પગાર ચૂકવવાના ગણિતો પણ ખોરવાઈ ગયા છે. કર્મચારીઓને પગાર ચૂકવવાની તારીખ વીતી ગયા છતાં પૈસા જમા મળ્યા નથી. આમ બેન્કની ક્લિયરિંગ સિસ્ટમની ખામીને પરિણામે કર્મચારીઓના પગાર ચૂકવવામાં પણ વિલંબ થયો છે. ચેક ક્રેડિટ ન થવાના મામલે બેન્કો પણ જવાબ આપી શકતી નથી. દરેક બેન્કના સ્ટાફ હેડ ઓફિસનો સંપર્ક કરી લેવા ખાતેદારને જણાવી રહ્યા છે. ખાતેદાર પણ આરંભિક સમસ્યા સમજીને ફરિયાાદ કરતાં નથી. બે કલાકને બદલે બે દિવસ કે ચાર દિવસે પણ ચેકના નાણાં જમા મળતા નથી. ખાતેદારોના કહેવા મુજબ  ચેક જે બેન્કના હતા તે બેન્કના ખાતામાંથી ડેબિટ થઈ ગયા છે. પરંતુ છ દિવસે પણ ખાતેદારના ખાતામાં જમા મળ્યા નથી. બીજી તરફ કોન્સન્ટ ક્લિયરિંગના પાંચમાં દિવસે પણ બેન્ક કર્મચારીઓને રાતના બાર બાર વાગ્યા સુધી બેન્કમાં બેસી રહેવું પડે છે. ચેકના ક્લિયરિંગ માટે કેટલી રકમ અલગથી રાખવી તે અંગે પણ નિશ્ચિતતા હોતી નથી. ભૂતકાળમાં સાજે સાત વાગ્યા પહેલા જ બધાં ચેક ક્લિયરિંગમાં આવી જતાં હોવાથી તેઓ ખૂટતી રકમ તેમની ખાનગી બેન્કોમાંની રકમમાંથી મંગાવી લેતા હતા.

Exit mobile version