અસમના હાઈવે પર ગર્જ્યા ફાઈટર જેટ્સ: PM મોદીનું વિમાન મોરન એરસ્ટ્રિપ પર ઉતર્યું
ગુવાહાટી, 14 ફેબ્રુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અસમના પ્રવાસે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF)નું નિરીક્ષણ કર્યું હતું. ભારત-ચીન સરહદથી માત્ર 300 કિમી દૂર નેશનલ હાઈવે-127 પર બનેલી આ એરસ્ટ્રિપ પર પીએમ મોદીનું C-130 હર્ક્યુલસ વિમાન લેન્ડ થયું ત્યારે રક્ષણની એક નવી ગાથા લખાઈ હતી. મોરન બાયપાસ પર પીએમ મોદીની હાજરીમાં ભારતીય વાયુસેનાએ અદભૂત એર શો યોજ્યો હતો. આ કાર્યક્રમમાં રાફેલ, સુખોઈ-30 MKI અને સ્વદેશી તેજસ સહિત કુલ 16 ફાઈટર જેટ્સે આશરે 30 મિનિટ સુધી આકાશ ગજવ્યું હતું. આ વિમાનોએ હાઈવે પર સફળતાપૂર્વક લેન્ડિંગ અને ટેક-ઓફ કરીને ભારતની સૈન્ય સજ્જતાનો પરચો આપ્યો હતો.
મોરન એરસ્ટ્રિપની ખાસિયતોની વાત કરીએ તો આ એરસ્ટ્રિપ નેશનલ હાઈવે-127 ના 4.4 કિમી લાંબા હિસ્સા પર નિર્મિત છે. અહીં 40 ટન સુધીના ફાઈટર જેટ અને 74 ટન સુધીના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ લેન્ડ થઈ શકે છે. આ દેશની એવી પ્રથમ ELF છે જેનો ઉપયોગ સૈન્ય અને નાગરિક બંને પ્રકારના વિમાનો કરી શકશે. કુદરતી આફતો કે યુદ્ધ જેવી સ્થિતિમાં આ એરસ્ટ્રિપ ઉત્તર-પૂર્વ ભારતમાં સંરક્ષણ અને રાહત કાર્યો માટે ગેમ-ચેન્જર સાબિત થશે.”આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર સડક નથી, પણ આપણી સુરક્ષાની ગેરંટી છે. તે ઉત્તર-પૂર્વના વિકાસ અને સુરક્ષાને નવી ઊંચાઈ આપશે.”
એરસ્ટ્રિપના નિરીક્ષણ બાદ વડાપ્રધાન ગુવાહાટી પહોંચ્યા હતા, જ્યાં તેમણે રૂ. 5,450 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અસમમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, તે પૂર્વે છેલ્લા ત્રણ મહિનામાં પીએમ મોદીનો આ ત્રીજો અસમ પ્રવાસ છે. 2016 થી અસમમાં NDA ની સરકાર કાર્યરત છે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરઃ સરહદ પાસેથી પાકિસ્તાની ડ્રોન મારફતે આવેલો હેરોઈનનો જથ્થો ઝડપાયો, 2ની ધરપકડ


