
અમદાવાદમાં ઓટોરિક્ષા, કેબ, ટેક્સીમાં ડ્રાઈવરની સીટ પાછળ હવે કઈ માહિતી લખવી પડશે, જાણો
અમદાવાદઃ શહેરમાં ઓટોરિક્ષા, કેબ કે ટેક્સીમાં મુસાફરી કરતા લોકો સાથે છેતરપિંડી, ખિસ્સા કાતરવા, મોબાઈલ અને કિંમતી સામાનની ચોરી, ચીલઝડપ, લૂંટ-ધાડ, મહિલાની છેડતી અને અપહરણ જેવા બનાવો બનતા હોય છે. આવા બનાવોનો ભોગ બનેલા લોકો ઓટોરિક્ષા, ટેક્સી કે કેબના નંબર જાણતા ન હોવાથી ગુનાઓ વણશોધાયેલા છે. આથી પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં હવે ઓટોરિત્રા, કેબ કે ટેક્સીની ચાલકે-માલિકે વાહનમાં પેસેન્જર બેસલાની જગ્યાની સામે સ્પષ્ટ દેખાય તે રીતે વાહનચાલકની સીટની પાછળના ભાગે અંગ્રેજીમાં વાહન નંબર વાહનમાલિકનું નામ, તેમજ અમદાવાદ પોલીસ કન્ટ્રોલના નંબરો અને હેલ્પલાઈન નંબરો ભૂસી ન શકાય તેરીતે લખવા પડશે. જોહેરનામાંનો અમલ બે મહિના માટે રહેશે.
અમદાવાદ એક ઔધોગિક શહેર છે, એટલે અહીં માર્ગ પરિવહનનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે મોટાભાગે ઓટો, રિક્ષા, કેબ કે ટેક્ષીનો ઉપયોગ કરે છે. આ સર્વિસના ઉપયોગ દરમિયાન જે વાહનમાં મુસાફરી કરતા હોય તેની સાથે વાહનચાલક દ્વારા સામાનની ચોરી,લૂંટ, છેડતી, અપહરણ જેવા બનાવ બનતા હોય છે. તાજેતરમાં જ ટેક્ષીમાં મુસાફરી કરતા દંપતી સાથે ગેરવર્તન કરી પોલીસકર્મીઓએ તોડ કર્યો હતો. જેને લઇને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ઓટો રિક્ષા,કેબ અને ટેક્ષીમાં વાહન ચાલકની સીટ પાછળ વાહન માલિકનું નામ,નંબર, પોલીસનો નંબર તથા હેલ્પલાઇન નંબર ફરજિયાત રાખવા સૂચના આપવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં એવા બનાવો પણ બને છે. કે, જે વાહનમાં મુસાફરી કરતા હોય તે વાહનચાલક દ્વારા ગુનાને અંજામ આપવામાં આવતો હોય છે અથવા રસ્તા પર પોલીસકર્મી દ્વારા ગુનાને અંજામ આપવામા આવે છે. આ મામલો પોલીસ કમિશનરના ધ્યાને આવતા જાહેરનામું બહાર પાડ્યું છે, જે મુજબ હવે રિક્ષા, ટેક્ષી તથા કેબચાલકોએ પોતાના વાહનમાં મુસાફરને સ્પષ્ટ દેખાય તે રીતે કાયમી વાહન નંબર, વાહન માલિકનું નામ,પોલીસનો કંટ્રોલરૂમનો નંબર અને હેલ્પલાઇનનો નંબર ફરજિયાત લખવા આદેશ કર્યો છે. 12×10 ઇંચના સાઈઝના બોર્ડ પર 13 mmના અક્ષરની ફોન્ટ સાઈઝ રાખીને તમામ વિગત લખવાની રહેશે. વાહનમાલિકનું નામ સ્કેચ પેનથી લખી શકાશે. આજે તા. 1 ઓકટોબરથી 31 ઓકટોબર સુધી વાહનચાલકોએ વાહનમાં લખાણ લખાવવાનું રહેશે. જાહેરનામાનો અમલ 2 મહિના એટલે કે 30 નવેમ્બર સુધી કરવાનું રહેશે. 1 નવેમ્બરથી પોલીસ દ્વારા જે વાહનમાં લખાણ નહિ હોય તે વાહનચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોધી ધરપકડ કરવામાં આવશે.