Site icon Revoi.in

વડોદરામાં ફટાકડાના સ્ટોલ તૈયાર થયા પણ તંત્રની હજુ મંજુરી મળી નથી

Social Share

વડોદરાઃ રાજકોટના અગ્નિકાંડ બાદ હવે તમામ વિભાગો કોઈપણ મંજુરી આપતા પહેલા છાશ પણ ફુંકીને પીએ છે. ઘણીવાર તંત્રના જડ વલણને લીધે વેપારીઓ પરેશાન થાય છે. વડોદરા શહેરમાં પોલો ગ્રાઉન્ડ ખાતે ફટાકડાના વેપારીઓએ શેડ બાંધીને સ્ટોલ તૈયાર કરી દીધા છે. ફટાકડાના ઓર્ડર પણ આપી દીધા છે. પણ હવે તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવતી નથી. વેપારીઓ એનઓસી માટે ધક્કા ખાઈ રહ્યા છે, પણ કોઈ સાંભળતું નથી, બીજીબાજુ વડાપ્રધાન વડોદરાની મુલાતે આવી રહ્યા હોવાથી તંત્ર પીએમના આગમનની તૈયારીઓમાં વ્યસ્ત બન્યુ છે. ત્યારે ફટાકડાના વેપારીઓ કહી રહ્યા છે કે, હવે બેચાર દિવસ બાદ મંજુરી મળે તો પણ ખોટ જ સહન કરવી પડશે.

વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડમાં ગાયકવાડી સમયથી ફટકડા માર્કેટ ભરાય છે. જોકે, આ વર્ષે માર્કેટને હજી સુધી મંજૂરી મળી નથી, જેથી ફટાકડાનો વેપાર કરતા વેપારીઓને મોટું નુકસાન થશે. ફટાકડાના સ્ટોલ તૈયાર થઈ ગયા છે, પરંતુ વેપારીઓ ફાયર એનઓસી સહિતની મંજૂરીની રાહ જોઈને બેઠા છે. વેપારીઓ કહે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે.  તેના કારણે મંજૂરી મળતી નથી. ફટાકડા વેચવા માટે 15 દિવસનો ધંધો હતો, હવે ચાર દિવસમાં કરી કરીને કેટલો વેપાર કરીશું?

અન્ય એક ફટાકડાના વેપારીએ જણાવ્યું હતું કે, શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે ગાયકવાડી શાસનથી ફટાકડાનું માર્કેટ ચાલે છે. શરૂઆતમાં 100 દુકાનનું આયોજન કરતા હતા. દર વર્ષે તેમાં ઘટાડો થઈ રહ્યો હતો. આ વર્ષે 24 સ્ટોલ ખોલવામાં આવ્યા છે. ફટાકડા વેચવા માટેની હજુ પૂરતી પરમિશન મળી નથી, જેના કારણે દુકાનો શરૂ થઈ શકી નથી. દર વર્ષે રાવણ દહનના બીજા દિવસથી આ માર્કેટ શરૂ થઈ જાય છે, પરંતુ આ વર્ષે વડાપ્રધાન મોદી વડોદરા આવવાના હોવાથી ફાયરબ્રિગેડ અને પીડબ્લ્યુડી સહિતના અધિકારીઓ તેની કામગીરીમાં જોડાયેલા હોવાથી વેપારીઓને મળવાનો સમય પણ આપતા નથી. ફટાકડાનો હોલસેલ અને સેમી હોલસેલનો ધંધો તો પૂરો થઈ ગયો પરંતુ, રિટેઈલના ધંધામાં પણ વેપારીઓને નુકસાન થશે.

Exit mobile version