મુંબઈ, 19 ઑક્ટોબર, 2026: Firing on actor Tiger Shroff બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગ કેસની તપાસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસે આ ઘટનામાં વપરાયેલી પીળા રંગની પલ્સર બાઈકને અંધેરી વેસ્ટ રેલવે સ્ટેશન પાસેથી જપ્ત કરી લીધી છે. જપ્ત કરાયેલી બાઈકને રાત્રે ડી.એન. નગર પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. પોલીસ હવે બાઈક માલિકની પૂછપરછ કરી રહી છે.
બાઈક માલિક જોગેશ્વરીનો રહેવાસી છે
પ્રારંભિક પૂછપરછમાં એ વાત સામે આવી છે કે બાઈકનો પ્રથમ માલિક જોગેશ્વરી વિસ્તારનો રહેવાસી છે. તેણે બાઈક બીજા વ્યક્તિને વેચી હતી અને તેણે આગળ ત્રીજા વ્યક્તિને વેચી દીધી. ત્રીજા માલિકે પિતૃપક્ષ પહેલા જ આ બાઈક શૂટર્સને વેચી દીધી હતી, પરંતુ બાઈકના દસ્તાવેજોમાં માલિકી હક ટ્રાન્સફર કરાવ્યો ન હતો. હાલમાં પોલીસે બાઈક માલિકની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ તેને જવા દીધો છે. હવે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.
જુહુના પુષ્પા પાર્ક પાસે થયો હમલો
ઉલ્લેખનીય છે કે મુંબઈના જુહુ વિસ્તારમાં રવિવારે સાંજે ત્રણ હુમલાખોરોએ ટાઈગર શ્રોફ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ટાઈગર શ્રોફ બચી ગયા હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં શ્રોફનો ડ્રાઈવર અને એક ઓટો ચાલક ઘાયલ થયા છે. આ કેસની તપાસ માટે 15 ટીમોની રચના કરવામાં આવી છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટ મુજબ લૉરેન્સ બિશ્નોઈ ગેંગે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
હુમલાખોરોની શોધમાં લાગેલી મુંબઈ પોલીસ
આ ઘટના જુહુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પુષ્પા પાર્ક પાસે બની હતી. આ ઘટનામાં સામેલ લોકોને પકડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન કથિત હુમલાખોરોની પહેલી તસવીર સામે આવ્યાના સમાચાર છે. તસવીરમાં બે લોકો સફેદ શર્ટ પહેરેલા નજરે પડી રહ્યા છે. તેમાંથી એકે પ્યુમા (Puma) ના લોગોવાળી કાળી ટોપી પહેરી છે. જોકે, પોલીસે હજુ સુધી બંનેની ઓળખની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
ફડણવીસે ટાઈગર શ્રોફ સાથે વાત કરી, શિંદેએ મુલાકાત લીધા
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના બાદ મુંબઈ પોલીસ કમિશનર દેવેન ભારતી અને ટાઈગર શ્રોફ સાથે વાતચીત કરી હતી. ફડણવીસે દેવેન ભારતી પાસેથી આ ઘટનાની વિગતો મેળવી હતી અને તેમને હુમલાખોરોને વહેલી તકે પકડી લેવા, તપાસ ઝડપી બનાવવા તેમજ આ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. બીજી તરફ ડેપ્યુટી CM એકનાથ શિંદેએ ટાઈગર શ્રોફના ઘરે જઈને તેમની મુલાકાત લીધી હતી.
કુલ સાત રાઉન્ડ ફાયરિંગ થયું હતું
ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચીને ગોળીઓ સાથે જોડાયેલા પુરાવા એકત્ર કર્યા, વાહનની તપાસ કરી અને કુલ કેટલી ગોળીઓ ચલાવવામાં આવી હતી તેની તપાસ કરી હતી. અત્યાર સુધીની માહિતી મુજબ હુમલાખોરોએ કુલ સાત રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાંથી પાંચ ગોળી ગાડીને વાગી હતી અને 2 ટાર્ગેટ ચૂકી ગઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આરોપીઓ સુરત તરફ રવાના થયા છે. જે પિસ્તોલથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે દેશી બનાવટની હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબાર કરતી વખતે આરોપીઓમાંથી એકની પિસ્તોલ બ્લોક થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ટાઈગર શ્રોફે 2014માં ફિલ્મ ‘હીરોપંતી’થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ‘બાગી’, ‘બાગી 2’ અને ‘વોર’ જેવી ફિલ્મોથી પોતાની ઓળખ મજબૂત કરી છે.
બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર રવિવાર સાંજે થયેલા ગોળીબારના કેસમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે સીધા શબ્દોમાં અપરાધીઓને કઠોરમાં કઠોર સજા આપવાની વાત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “હુમલાખોરો બચશે નહીં. કોઈપણ ગેંગને છોડવામાં નહીં આવે. અમે ટાઈગર શ્રોફને આશ્વસ્ત કર્યા છે કે જેમણે અપરાધ કર્યો છે તેમને શોધીને બહાર કાઢીશું. ખૂબ જ જલદી આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.” તેમણે ઉમેર્યું હતું કે આમાં ભલે ગમે તે ગેંગ કે વ્યક્તિ સામેલ હોય કોઈને પણ બક્ષવામાં નહીં આવે. જો કોઈ આ પ્રકારની ધમકીઓ દ્વારા કામ કરવાનો પ્રયાસ કરશે તો મુંબઈ પોલીસ સારી રીતે જાણે છે કે તેમને કેવી રીતે સીધા કરવા.


