Site icon Revoi.in

સાબરકાંઠાના વડાલીમાં એક પરિવારના પાંચ સભ્યનો આપઘાતનો પ્રયાસ, બેના મોત

Social Share

  વડાલીઃ સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં એક પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં દંપતીનું મોત નીપજ્યું છે. દંપતી સહિત 3 બાળકોએ ઝેરી દવા ગટગટાવતા સમગ્ર વડાલીમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પરિવારના પાંચેય સભ્યોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સગર પરિવારના પાંચ સભ્યોએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી. પોલીસે સામુહિક આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સગરવાસમાં રહેતા શ્રમિક પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનામાં પતિ-પત્નીનું મોત નિપજ્યું છે, જ્યારે તેમના ત્રણ સંતાનો હાલ સારવાર હેઠળ છે. ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા 42 વર્ષીય વિનુભાઈ મોહનભાઈ સગર, તેમની 40 વર્ષીય પત્ની કોકિલાબેન અને તેમના ત્રણ સંતાનોએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આસપાસના લોકોને જાણ થતાં તેઓ તરત જ દોડી આવ્યા હતા. અને 108 એમ્બ્યુલન્સની મદદથી પ્રથમ વડાલીમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. ત્યારબાદ તેમને ઈડરની પંચમ હોસ્પિટલ અને પછી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પ્રથમ વિનુભાઈનું અને ત્યારબાદ રાત્રે કોકિલાબેનનું મોત નિપજ્યું હતું.  હાલ 19 વર્ષીય ભૂમિકાબેન, 18 વર્ષીય નિલેશભાઈ અને 17 વર્ષીય નરેન્દ્રકુમાર હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વડાલી પોલીસે આ અંગે જાણવાજોગ નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.