Site icon Revoi.in

રાજસ્થાનમાં ટ્રક અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, વરરાજા અને કન્યા સહિત પાંચના મોત

Social Share

જયપુરઃ દૌસા-મનોહરપુર હાઇવે પર ટ્રક અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં કન્યા અને વરરાજા સહિત પાંચ વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે છ જેટલા જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયાં હતા. ઘાયલોને સારવાર અર્થે નજીકની NIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત પણ ગંભીર હોવાનું કહેવાય છે. આજે સવારે રાયસર (જયપુર ગ્રામીણ) વિસ્તારના ભટકબાસ ગામ નજીક દૌસા-મનોહરપુર હાઇવે પર આ અકસ્માત થયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બંને વાહનો સામસામે ટકરાયા હતા. જીપમાં મુસાફરી કરી રહેલા લોકો લગ્ન પછી મધ્યપ્રદેશથી પરત ફરી રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ પેસેન્જર વાહન દૌસાથી મનોહરપુર જઈ રહ્યું હતું, ત્યારે તે સામેથી આવતા કેન્ટર સાથે ઝડપથી અથડાયું હતું. અકસ્માત બાદ હાઇવે પર લાંબો જામ થઈ ગયો અને અંધાધૂંધી સર્જાઈ ગઈ હતી. આ ઘટનાની માહિતી મળતા જ રાયસર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. મૃતકો અને ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી નજીકના NIMS હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસ મૃતકોની ઓળખ કરી રહી છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટક્કર એટલી ગંભીર હતી કે વાહનના ટુકડા થઈ ગયા હતા. ઘણા લોકો વાહનની અંદર ફસાઈ ગયા હતા, જેમને પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માત મુદ્દે સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેના પર રાયસર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

Exit mobile version