Site icon Revoi.in

કડાણા ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડાતા મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ

Social Share

વડોદરાઃ મહિસાગર જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને લીધે મહિસાગર નદી પરના કડાણા ડેમમાં પાણીની આવક સતત વધી છે. તેમજ હાલમાં અનાસ નદીમાંથી 69,217 કયુસેક અને પાદેડી ગેજીંગ સાઇટે 73,455 ક્યુસેક જેટલા પાણીની આવક થઇ રહી છે. ઉપરાંત મહી-બજાજ સાગર ડેમ 281.15 મીટરના લેવલ સુધી ભરાયેલો હોઇ તેમાંથી 89,255 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી, કડાણા ડેમની સુરક્ષા તથા ઉપરવાસમાંથી આવતા પાણીનાં પ્રવાહને ધ્યાને લઈ તેમજ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે હાલ 152540 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતુ. જે ક્રમશ: વધારી શનિવારેના 2,50,૦૦૦ ક્યુસેક (2,29,600 ક્યુસેક-ડેમના ગેટથી + 20,400 કયુસેક-પાવરહાઉસ મારફતે) જેટલું પાણી મહી નદીમાં છોડવામાં આવતા નદીકાંઠાના ગામને એલર્ટ કરાયા હતા. મહિસાગરમાં પૂરની સ્થિતિ સર્જાય છે.

કડાણા ડેમમાં હાલમાં પાણીની આવક 1,65,178 ક્યુસેકથી વધુ છે. કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે. નદીમાં પાણીનું લેવલ વધતું જાય છે. મહીસાગર નદીમાં સતત પાણી આવતું હોવાથી મહીસાગર અને વડોદરા જિલ્લાના નદીકાંઠાના ગામો તથા આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગ્રામજનોને નદીની નજીક ન જવાની સુચના તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત જરૂર જણાય ત્યાં પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્ય, પાદરા, સાવલી, ડેસર તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં નાગરિકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

વડોદરા નજીક આવેલા સિંધરોટ ગામમાં મહીસાગર નદીના પૂરના પાણી ઘૂસી જતાં 125 જેટલાં ઘરો, મંદિરો, દુકાનો અને સ્કૂલ પાણીમાં ડૂબી ગયાં છે, જ્યારે ગ્રામજનો અને પશુઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરનો સામાન ઉપર ચડાવી દીધો છે અને ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. ગ્રામજનોનું કહેવું છે કે પાણી ઘૂસી જવાથી આખું ગામ બેહાલ થયું છે.