Site icon Revoi.in

પહેલગામ હુમલાને પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાશ્મીરમાં અન્ય પર્યટન સ્થળો બંધ કરાશે, સુરક્ષા વધારાઈ

Social Share

શ્રીનગર: પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને, કાશ્મીર ખીણના સંવેદનશીલ વિસ્તારોમાં સ્થિત લગભગ 48 જાહેર ઉદ્યાનોને સાવચેતીના પગલા તરીકે બંધ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રવાસીઓ માટેના ખતરાને ધ્યાનમાં રાખીને કાશ્મીરના 87 જાહેર ઉદ્યાનોમાંથી 48 ના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ આતંકવાદી હુમલાને પગલે દેશના મોટાભાગના રાજ્યોના પ્રવાસીઓએ કાશ્મીરનો પ્રવાસ રદ કર્યો છે. આ ઉપરાંત આ હુમલાને પગલે પ્રવાસન ક્ષેત્રને અસર થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ ઉપરાંત જન્મુ-કાશ્મીરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે સુરક્ષા સમીક્ષા એક ચાલુ પ્રક્રિયા છે અને આગામી દિવસોમાં આ યાદીમાં વધુ સ્થળો ઉમેરવામાં આવી શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બંધ કરાયેલા પર્યટન સ્થળો કાશ્મીરના દૂરના વિસ્તારોમાં સ્થિત હતા અને તેમાં છેલ્લા 10 વર્ષમાં ખુલેલા કેટલાક નવા સ્થળોનો પણ સમાવેશ થાય છે. પ્રવાસીઓ માટે પ્રતિબંધિત સ્થળોમાં દૂધપથરી, કોકરનાગ, દક્ષુમ, સિન્થન ટોપ, અચાબલ, બંગુસ વેલી, મોર્ગન ટોપ અને તોસામૈદાનનો સમાવેશ થાય છે. અધિકારીઓએ આ સંદર્ભમાં કોઈ ઔપચારિક આદેશ જારી કર્યો નથી પરંતુ આ સ્થળોએ પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. દક્ષિણ કાશ્મીરમાં ઘણા ‘મુઘલ બગીચાઓ’ના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. પહેલગામના બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલાના એક અઠવાડિયા પછી આ પર્યટન સ્થળોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 22 એપ્રિલના રોજ થયેલા આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા.

Exit mobile version