
દેશમાં પ્રથમવાર આ બે શહેરો વચ્ચે ઉડશે એરટેક્સી, 33 Kmનું અંતર માત્ર 7 મિનિટમાં કપાશે
નવી દિલ્હીઃ દેશમાં ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠી છે. જો કે, તંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે સતત પગલા ભરવામાં આવી રહ્યાં છે. દિલ્હીથી ગુરુગ્રામ વચ્ચે પણ ભારે ટ્રાફિકની સમસ્યા જોવા મલળે છે. સામાન્ય રીતે દિલ્હીથી ગુરુગ્રામનું અંતર લગભગ એક કલાકનું છે પરંતુ ટ્રાફિકના કારણે 3 કલાક જેટલો સમય લાગે છે. જો કે, દિલ્હીથી ગુરુગ્રામ જવા માટે લોકોને કલાકો નહીં બગાડવા પડે. આ અંતર માત્ર સાત મિનિટમાં કાપી શકાશે.
સુત્રોના જણાવ્યા અનુસાર એરલાઈન ઈન્ડિગોની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ એન્ટરપ્રાઈઝ અને અમેરિકાની કંપની આર્ચર એવિએશન ભારતમાં આગામી બે વર્ષમાં ઓલ ઈલેક્ટ્રીક એરટેક્સી સર્વિસ શરુ કરવાનું પ્લાનીંગ કરી રહી છે. જેથી એવુ લાગી રહ્યું છે, આગામી દિવસોમાં હવા ઉડતી એરટેક્સી જોવા મળશે. તેમજ આ એરટેક્સીથી કનોટ પ્લેસથી ગુરુગ્રામ સુધી લોકો માત્ર સાત મિનિટમાં પહોંચી જશે.
રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં 200 એરટેક્સી ઉપલબ્ધ થઈ શકે છે. જેમાં વિમાનોનોની જેમ 12 રોટર લાગેલા હશે. આને હેલિકોપ્ટર જેવુ માનવામાં આવે છે. જો કે, આ એરટેક્સીનો અવાજ હેલિકોપ્ટરથી ખુબ જ ઓછો હશે. 2026 સુધી શરૂ થનારી આ એરટેક્સી સર્વિસમાં પાયલોટની સાથે ચાર પ્રવાસીઓ મુસાફરી કરી શકશે. એર ટેક્સીની મદદથી સમયની બચતની સાથે લોકોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે.
રિપોર્ટ અનુસાર આ એરટેક્સીનો ખર્ચ લગભગ એક અરબ ડોલર જેટલો થશે. એટલે કે, 8337 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. એરટેક્સી ઓછી ઉંચાઈ ઉપર ઉડાન ભરશે. તેમાં સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. એટલું જ નહીં વિમાનોના સુરક્ષા નિયમોનું પણ પાલન કરવામાં આવશે.