
રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે આવતીકાલે સંસદીય સમિતિની બેઠક, વિદેશ મંત્રી જયશંકર આપી શકે છે માહિતી
- રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ
- આવતીકાલે સંસદીય સમિતિની મહત્વની બેઠક
- વિદેશ મંત્રી જયશંકર આપી શકે છે માહિતી
દિલ્હી:રશિયા તરફથી યુક્રેન પર કરવામાં આવેલ હુમલા અને તેના પછીની સ્થિતિ બાદ ભારત સતત નજર રાખી રહ્યું છે. ભારત દ્વારા યુક્રેનમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ દરમિયાન વિદેશી બાબતોની સંસદીય સલાહકાર સમિતિની આવતીકાલે ગુરુવારે બેઠક મળવાની છે.વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકર હવે આવતીકાલે યોજાનારી બેઠકમાં સમિતિના સભ્યોને માહિતી આપી શકે છે. યુક્રેન પર હુમલા બાદ ભારતે યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા લગભગ 14,000 નાગરિકોને બચાવવા માટે 26 ફેબ્રુઆરીથી સ્થળાંતર અભિયાન શરૂ કર્યું હતું.
યુક્રેનમાં ફસાયેલા લોકોને બચાવવાની ઝુંબેશ વચ્ચે ગુરુવારે વિદેશી બાબતોની સંસદની સલાહકાર સમિતિની બેઠક યોજાવાની છે. દરમિયાન, આ માહિતી આપતા સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, યુદ્ધગ્રસ્ત યુક્રેનના પડોશી દેશો માટે 31 નિકાસી ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે અને પૂર્વી યુરોપિયન રાષ્ટ્રમાં ફસાયેલા 6,300 થી વધુ ભારતીયોને પાછા લાવવામાં આવશે.
રશિયાના હુમલાથી પ્રભાવિત યુક્રેનથી ભારતીયોને પરત લાવવા માટે ભારત દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન ‘ઓપરેશન ગંગા’ હેઠળ ‘એર ઈન્ડિયા’, ‘એર ઈન્ડિયા એક્સપ્રેસ’, ‘ઈન્ડિગો’, ‘સ્પાઈસજેટ’ અને ભારતીય વાયુ સેના દ્વારા સંચાલિત કરવામાં આવશે.સૂત્રોએ જણાવ્યું કે, 2 માર્ચથી રોમાનિયાની રાજધાની બુખારેસ્ટથી 21 વિમાન અને હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી ચાર વિમાન ભારતીય નાગરિકો સાથે પરત ફરશે.પોલેન્ડના ચેકથી ભારતીયોને પરત લાવવા માટે ચાર ફ્લાઈટ અને સ્લોવાકિયાના કોસીસથી એક ફ્લાઈટ ચલાવવામાં આવશે.ભારતીય વાયુસેના બુખારેસ્ટથી ભારતીયોને પરત લાવશે.