નવી દિલ્હીઃ ભારતની પાકિસ્તાન સાથેની હાલની સ્થિતિ કેવી છે, તે મુદ્દે વિદેશ સચિવ વિક્રમ મીસરી આજે સોમવારે સંસદીય સમિતિને જાણકારી આપશે. વર્તમાન વિદેશ નીતિ વિકાસ પર પણ બ્રીફિંગ આપવામાં આવશે. જેમાં 22 એપ્રિલના રોજ થયેલ પહલગામ આતંકી હુમલા બાદ 6 અને 7 મેની રાત્રે પાકિસ્તાન અને POKમાં રહેલા આતંકીઓના ઠેકાણાઓ પર કરવામાં આવેલા ઓપરેશન સિંદુરની પણ જાણકારી આપવામાં આવશે. આ સાથે જ 10 મેના રોજ થયેલ બંને પક્ષો વચ્ચેની સીઝ ફાયર સહમતી વિશે પણ સમિતિને જાણકારી આપવામાં આવશે. ભારતે 23 મિનીટના ઓપરેશન સિંદુર અંતર્ગત પાકિસ્તાન અને POKમાં આવેલા 9 આતંકી ઠેકાણાઓનો નાશ કર્યો હતો, સાથે જ ભારતના એક્શનમાં પાકિસ્તાનના કેટલાક એરબેઝનો પણ નાશ કરવામાં આવ્યો હતો. બાદમાં 10 મેની સાંજે 5 કલાકે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરવામાં આવ્યું હતું. જે હાલ પણ ચાલી રહેલ છે.
વિદેશ સચિવ વિક્રમ મીસરી પેનલને વિવિધ મુદ્દાઓ પર માહિતી આપે તેવી અપેક્ષા છે, જેમાં ઇસ્લામાબાદ સાથે રાજદ્વારી સંબંધોની વર્તમાન સ્થિતિ, સરહદ પાર સુરક્ષા પડકારો અને પ્રાદેશિક સ્થિરતા માટે વ્યાપક અસરોનો સમાવેશ થાય છે. મીસરીએ અગાઉ સભ્યોને મુખ્ય વિદેશ નીતિ મુદ્દાઓ પર માહિતી આપી હતી, જેમાં બાંગ્લાદેશ જેવા પડોશી દેશો સાથે ભારતના ઉભરતા સંબંધો અને કેનેડા જેવા દેશો સાથેના રાજદ્વારી સંબંધોમાં તાજેતરની પ્રગતિનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન સંબંધોની નાજુક સ્થિતિ, લશ્કરી તૈયારીઓ અને રાજદ્વારી સાવધાની જાળવવાના વ્યૂહાત્મક મહત્ત્વને ધ્યાનમાં રાખીને આ બ્રીફિંગ વધુ મહત્ત્વપૂર્ણ છે.
ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામ બાદ વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકાર પાસે સર્વપક્ષીય બેઠક અને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે. જોકે, યુદ્ધવિરામ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. જેમાં વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, ભારતીય સેનાની તાકાત સામે પાકિસ્તાની સેનાએ શરણાગતિ સ્વીકારી હતી અને યુદ્ધવિરામની માંગણી કરવા પહેલ કરી હતી.