
રાજકોટનો આજીડેમ ઓવરફ્લો થતા પૂર્વ CM વિજય રૂપાણીએ કર્યા વધામણા
રાજકોટઃ શહેરમાં સિઝનનો 45થી ઇંચ વધુ વરસાદ નોંધાયો છે. સારા વરસાદને કારણે શહેરના તમામ ડેમો ઓવરફ્લો થયા છે. તેમાંય ખાસ કરીને શહેરની જીવાદોરી સમાન આજીડેમ ઓવરફ્લો થતા રાજકોટવાસીઓ માટે જળસંકટ દૂર થયું છે. આજે સવારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના ધારાસભ્ય વિજય રૂપાણી આજીડેમ ખાતે પહોંચ્યા હતા અને નવા નીરના વધામણા કર્યા હતા. આ ઉપરાંત આજે પંડિત દિન દયાળજીની જન્મજયંતી નિમિત્ત રૂપાણીએ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
શહેરના આજી ડેમ ખાતે વિજય રૂપાણીએ પહેલા પંડિત દિન દયાળજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બાદમાં આજીડેમમાં આવેલા નવા નીરના વધામણા કર્યા હતા. આ સમયે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. રાજકોટની જીવાદોરી સમાન આજી 1 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની 29 ફૂટની સપાટી છે. 2019માં ભારે વરસાદના પગલે આજી 1 ડેમ ઓવરફ્લો થયો હતો. 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌની યોજના મારફત આજી 1 ડેમમાં પાણી ઠાલવી ઓવરફ્લો કરવામાં આવ્યો હતો. ત્યારે આ વર્ષે ઓવરફ્લો થતા નયનરમ્ય નજારો સર્જાયો છે. ડેમ ઓવરફ્લો થતા પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આજી 1 ડેમ 17મી વખત ઓવરફ્લો થયો છે. આ વર્ષે આજી ડેમ-1 ઓવરફ્લો થતાં શહેરમાં હવે પીવાના પાણીની સમસ્ નહી સર્જાય તેવું માનવામાં આવે છે.