પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનની આંખોની રોશની ઘટી
ઈસ્લામાબાદ, 12 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાનની આડિયાલા જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ (PTI) ચીફ ઈમરાન ખાનના સ્વાસ્થ્યને લઈને અત્યંત ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટ અનુસાર, ઈમરાન ખાનની આંખોની દ્રષ્ટિ માત્ર 15 ટકા જ બચી છે. જો સમયસર સારવાર નહીં મળે તો તેઓ સંપૂર્ણપણે અંધ થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.
અહેવાલ મુજબ, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે, 16 ફેબ્રુઆરી પૂર્વે દેશના ટોચના તબીબોની એક સ્પેશિયલ ટીમ જેલમાં મોકલવામાં આવે અને ઈમરાન ખાનની યોગ્ય તપાસ તેમજ સારવાર કરાવવામાં આવે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વરિષ્ઠ વકીલ સલમાન સફદરે ઈમરાન ખાન સાથે મુલાકાત કર્યા બાદ રિપોર્ટ તૈયાર કર્યો છે.
સફદરે કોર્ટમાં જણાવ્યું કે, ઓક્ટોબર 2025 સુધી ઈમરાન ખાનની તબિયત સારી હતી, પરંતુ ત્યારબાદ તેમની જમણી આંખની રોશની અચાનક જતી રહી હતી. તેઓ શારીરિક રીતે સ્વસ્થ લાગે છે, પરંતુ તેમની જોવાની શક્તિ લગભગ નહિવત થઈ ગઈ છે. તેમને પરિવાર સાથે મળવા દેવામાં આવતા નથી, જેના કારણે તેઓ માનસિક દબાણમાં છે.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) મુજબ, ઈમરાન ખાનની જમણી આંખમાં સેન્ટ્રલ રેટિનલ વેઈન ઓક્લુઝન નામની સમસ્યા સર્જાઈ છે. આ બીમારીમાં આંખની નસોમાં લોહીના ગંઠાઈ જવાથી ‘ખતરનાક અવરોધ’ પેદા થાય છે. નેશનલ હેલ્થ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, જો આ લોહીનો ગંઠો દૂર કરવામાં ન આવે તો કાયમી અંધાપો આવી શકે છે.
સલમાન સફદરે કોર્ટને વિનંતી કરી હતી કે, ઈમરાન ખાનને તેમના પુત્રો સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવે. સરકારી વકીલની સંમતિ બાદ, સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને તેમના બંને પુત્રો સાથે ફોન પર વાત કરવાની સુવિધા પૂરી પાડવાનો આદેશ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાન મે 2023 થી જેલમાં બંધ છે. તેમની પર ભ્રષ્ટાચાર અને સેના વિરુદ્ધ લોકોને ઉશ્કેરવા સહિતના અનેક ગંભીર આરોપો છે. જોકે, તેમની પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે જેલમાં તેમને પૂરતી તબીબી સુવિધા આપવામાં આવતી નથી.
આ પણ વાંચોઃ ભારતીય વાયુસેના માટે 114 રાફેલ ફાઇટર જેટની ખરીદી કરાશે


