Site icon Revoi.in

વૈષ્ણોદેવી સર્કલ પાસે ફોર્ચ્યુનર કાર ડિવાઈડ કૂદી ST બસ સાથે અથડાઈ, કારચાલકનું મોત

Social Share

અમદાવાદ,18 જાન્યઆરી 2026: શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર વાહનોની તેજ રફતારને લીધે રોડ અકસ્માતના બનાવો વધતી જાય છે. ત્યારે આજે  વહેલી સવારે વૈષ્ણદેવી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત સર્જાતા ફોર્ચ્યુંનર કારચાલકનું મોત નિપજ્યુ હતુ. જ્યારે યુવતી સહિત ત્રણેક લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસે સ્થળે દોડી ગઈ હતી. અને અકસ્માતને લીધે ટ્રાફિકજામ સર્જાતા પોલીસે કારને ક્રેનથી દુર કરી ટ્રાફિક હળવો કર્યો હતો. આ બનાવમાં ફોર્ચ્યુનર કારચાલક ધવલનું મોત નિપજ્યુ છે. ધવલ ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી આઈ. બી. વાઘેલાનો 24 વર્ષીય પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, સરખેજ-ગાંધીનગર હાઈવે પર વૈષ્ણોદેવી બ્રિજના છેડે  આજે રવિવારના વહેલી સવારે ફોર્ચ્યુનર કાર ગાંધીનગર તરફ પૂર ઝડપે જઈ રહી હતી.ત્યારે કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા  ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદીને હિંમતનગરથી રાજકોટ તરફ જઈ રહેલી એસટી બસ સાથે અથડાઈ હતી. ફોર્ચ્યુનર કારની ટક્કર એટલી જોરદાર હતી કે એસટી બસની પણ દિશા બદલાઈ ગઈ હતી. એસટી બસ ડિવાઇડર પર ચઢીને ગઈ હતી. આ સમગ્ર અકસ્માત દરમિયાન ફોર્ચ્યુનર કારની પાછળ આવી રહેલી બ્રેઝા કાર પણ પૂર ઝડપે અથડાઈ હતી, જેના કારણે ફોર્ચ્યુંનર અને બ્રેઝા કારનો કચ્ચરઘાણ થઈ ગયો છે. ફોર્ચ્યુંનર કારમાં ધવલ ઈશ્વરસિંહ વાઘેલા અને યુવતી દેવાંશી યોગેશ પંડ્યા (બન્નેની ઉંમર 21 વર્ષ) સવાર હતાં. અકસ્માત સ્થળેથી બન્નેને હોસ્પિટલમાં લાવ્યા બાદ ડોક્ટરે ધવલને મૃત જાહેર કર્યા હતો, જ્યારે યુવતી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

 આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે, સરખેજ તરફથી એક ફોર્ચ્યુનર કાર સ્પીડમાં ગાંધીનગર તરફ જઈ રહી છે. આ વચ્ચે ફોર્ચ્યુંનર કારના ચાલકે એક સફેદ કલરની કારને ઓવરટેક કરવા જતાં કાર ડિવાઈડરમાં અથડાઈને નીચેના રોડ પર ઉતરી જાય છે અને સામેથી આવતી એસટી બસમાં ટક્કરાઈ છે. આ ટક્કરથી બસનો ચાલક પણ કાબૂ ગુમાવે છે અને બસને ઉપરના રોડ પર ચડાવી દે છે. અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. અને ક્રેઈનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનો હટાવીને ટ્રાફિકજામ ક્લીયર કર્યો હતો.

Exit mobile version