Site icon Revoi.in

અમરેલી જિલ્લામાં માનવભક્ષી ચાર સિંહને પકડીને સક્કરબાગ ઝૂમાં આજીવન કેદ કરાયા

Social Share

 અમરેલી, 28 જુન 2026 : Four man-eating lions caught જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક થોડા દિવસ પહેલા  હાઈવે પર મોડી રાતે વાહનની રાહ જોઈ રહેલા એક પરપ્રાંતના યુવાનને સિંહે ફાડી ખાધો હતો. યુવાનનો શિકાર કર્યા બાદ ચાર સિંહે મિજબાની માણી હતી. આથી માનવભક્ષી સિંહને પકડવા વન વિભાગે તજવીજ હાથ ધરી હતી, અને જુદા જુદા વિસ્તારમાં પાંજરા મુકીને ચારેય સિંહને પાંજરે પૂર્યા છે. હવે ચારેય સિંહને આજીવન જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય રાખવાનો વન વિભાગે નિર્ણય. લીધો છે.

રાજુલા તાલુકાના કોયાવા ગામ નજીક થોડા દિવસો પહેલા  ઉત્તરાખંડના પ્રકાશચંદ્ર નામના યુવક પર રાત્રિના સમયે સિંહોના ટોળાએ હુમલો કરીને તેનો શિકાર કર્યો હતો. આ ગંભીર ઘટનાને પગલે વન વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. ઘટનાસ્થળની આસપાસના વિસ્તારમાંથી લોકેશન ટ્રેસ કરીને રાજુલા રેન્જ વન વિભાગે 2 પાઠડા (યુવાન સિંહ) અને 2 પુખ્ત સિંહો સહિત કુલ 4 સિંહોને પાંજરે પૂર્યા હતા. વન વિભાગે પકડેલા ચારેય સિંહોના મળ અને અન્ય સેમ્પલ મેળવીને તપાસ અર્થે સાસણ ગીર લેબોરેટરીમાં મોકલ્યા હતા. આ રિપોર્ટના આધારે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, મૃતક યુવકના શરીરના અવશેષો સિંહોના સેમ્પલમાંથી મળી આવ્યા છે, જે દર્શાવે છે કે આ ચારેય સિંહો માનવભક્ષી બન્યા હતા.  નિયમ અનુસાર, માનવ લોહીનો સ્વાદ ચાખી ચૂકેલા વન્યજીવોને ફરી ક્યારેય ખુલ્લા જંગલમાં કે માનવ વસાહતની આસપાસ છોડી શકાય નહીં. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ચારેય સિંહોને હવે આજીવન સક્કરબાગ ઝૂના એનિમલ કેર સેન્ટરમાં જ રાખવામાં આવશે. ભવિષ્યમાં જો તેમના વર્તનમાં સકારાત્મક સુધારો જણાય અને વાઇલ્ડલાઇફ નિષ્ણાતો લીલી ઝંડી આપે, તો જ તેમને કોઈ બંધિયાર નેશનલ પાર્કમાં શિફ્ટ કરવા અંગે વિચારણા થઈ શકે છે. જોકે, તેમને સામાન્ય જંગલ કે માનવ વસાહત નજીકના વિસ્તારોમાં ક્યારેય મુક્ત કરવામાં નહીં આવે. વન વિભાગે આ સમગ્ર પ્રકરણને અત્યંત ગંભીરતાથી લઈને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સ્થાનિક સ્તરે પેટ્રોલિંગ પણ સઘન બનાવ્યું છે.

Exit mobile version