ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ ગુરુવારે જાહેરાત કરી કે ફ્રાંસ ટૂંક સમયમાં ફિલિસ્તીનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપશે. મેક્રોએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે આ નિવેદન આપ્યું હતું. તેમની આ જાહેરાતથી ઇઝરાયેલ અને અમેરિકા બન્ને દેશોમાં નારાજગી વ્યાપી છે. રાષ્ટ્રપતિ મેક્રોએ જણાવ્યું કે તેઓ સપ્ટેમ્બરમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની ઔપચારિક બેઠકમાં ફિલિસ્તીનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપશે. તેમણે એક્સ પર લખ્યું, “મિડલ ઈસ્ટમાં ન્યાયસંગત અને કાયમી શાંતિ માટે ફ્રાંસની ઐતિહાસિક પ્રતિબદ્ધતા હેઠળ મેં નક્કી કર્યું છે કે ફ્રાંસ હવે ફિલિસ્તીની રાષ્ટ્રને માન્યતા આપશે. હું સપ્ટેમ્બરમાં યુએન જનરલ એસેમ્બલીમાં તેની ઔપચારિક જાહેરાત કરીશ.”
ફ્રાંસના આ નિર્ણયથી ઇઝરાયલમાં ભારે પ્રતિક્રિયા જોવા મળી. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ પગલાને “આતંકને ઈનામ આપવાનું” ગણાવ્યું અને જણાવ્યું કે, “આ નિર્ણય ઇઝરાયલ માટે ખતરો છે. તે ગાઝાની જેમ ઇરાન સમર્થિત એક વધુ પ્રોક્સી ઉભો કરશે. એવો ફિલિસ્તીની રાષ્ટ્ર શાંતિ માટે નહીં પરંતુ ઇઝરાયલનો નાશ કરવા માટે ઉપયોગમાં લેવાશે.”
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ લખ્યું, “યુએસ, યુએન જનરલ એસેમ્બલીમાં ફિલિસ્તીની રાષ્ટ્રને માન્યતા આપવાના મેક્રોના પ્લાનનો કડક વિરોધ કરે છે. આ બેદરકાર નિર્ણય માત્ર હમાસના પ્રોપાગેન્ડાને મજબૂત કરે છે અને શાંતિની પ્રક્રિયાને નુકસાન પહોંચાડે છે. આ 7 ઑક્ટોબરના શિકાર બનેલાઓ માટે ચાંટો સમાન છે.”
આ પગલાં સાથે ફ્રાંસ પહેલું મોટું પશ્ચિમી દેશ બની જશે જે ફિલિસ્તીનને રાષ્ટ્ર તરીકે માન્યતા આપશે. ફ્રાંસમાં યુરોપની સૌથી મોટી યહૂદી અને મુસ્લિમ વસ્તી વસે છે. હાલમાં દુનિયાના 142 દેશો ફિલિસ્તીનને માન્યતા આપી ચૂક્યા છે અથવા તેની તૈયારી કરી રહ્યા છે. ગાઝા યુદ્ધ, જે 7 ઑક્ટોબર 2023ના હમાસના હુમલાથી શરૂ થયું હતું, ત્યારથી ઘણાં દેશોએ આ દિશામાં પગલાં લીધાં છે.
પીએલઓના ઉપપ્રમુખ હુસૈન અલ-શેખે કહ્યું, “અમે મેક્રોના આ નિર્ણયોનું સ્વાગત કરીએ છીએ, જે આંતરરાષ્ટ્રીય કાયદા અને ફિલિસ્તીની પ્રજાના અધિકારો માટે ફ્રાંસની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.” મેક્રોએ વધુમાં જણાવ્યું કે ગાઝામાં યુદ્ધ રોકવું અને નાગરિકોને મદદ કરવી આજે સૌથી મોટી અગ્રતા છે. ગાઝામાં માનવીય સંકટ વિકરાળ બન્યું છે, જ્યાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભૂખમરોને “મનુષ્ય દ્વારા સર્જાયેલ તબાહી” ગણાવી છે. ફ્રાંસે આ માટે ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલી નાકાબંધીને જવાબદાર ગણાવી છે, જેને ઇઝરાયલે ફગાવી દીધી છે.