
અમદાવાદઃ રાજ્યમાં બે દિવસથી ફરીથી વરસાદના માહોલ જામ્યો છે અને આજે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બીજી તરફ થોડા સમયના વિરામ બાદ રાજ્યના અન્ય શહેરોમાં પણ મેઘમહેર થઈ છે. આ ઉપરાંત ઉપરવાસમાં થયેલા વરસાદના પગલે જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ છે.દરમિયાન ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ, માલપુરનો વાત્રક ડેમ, અમરેલીના સુરવો ડેમ તથા ભાવનગરનો શેત્રુંજી ડેમ નવા પાણીથી છલકાયો છે, જેથી સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે.
ઉતર ગુજરાતમાં અરવલ્લીના માલપુરનો વાત્રક ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે અને ડેમની જળસપાટી 134.96 મીટર ઉપર પહોંચી છે. ડેમમાં પાણીની આવક વધતા તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મહેસાણામાં ધરોઈ છલોછલ થયો છે અને ધરોઈ ડેમની જળસપાટી વધીને થઈ 621 ફૂટ થઈ છે. ડેમની પૂર્ણ સપાટી 622 ફૂટ છે. ડેમમાં 10977 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમનો એક દરવાજો 6.7 ફૂટ ખોલીને પાણી છોડાયું છે. હાલ ડેમમાં 96.08 ટકા પાણીનો જથ્થો છે.
અમરેલીમાં આવેલો સુરવો ડેમ ભરાયો છે અને બે દિવસથી ધીમી ધારે આવી રહેલા વરસાદને પગલે સુરવો ડેમમાં ફરીથી પાણીની આવક શરૂ થઈ છે અને ડેમ 100 ટકા જેટલો ભરાઈ ગયો છે. ભાવનગર જિલ્લાની જીવા દોરી સમાન ગણાતો શેત્રેુંજી ડેમ પણ પાણીથી ભરાયેલો છે. આ વર્ષ તેમજ આગામી વર્ષે શેત્રુંજી ડેમમાં પાણી ભરાયેલું રહેશે જેથી શહેરમાં પીવાના કે સિંચાઈના પાણીની તકલીફર નહીં પડે તેમ તંત્રએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે સારો વરસાદ વરસ્યો છે અને અત્યાર સુધીમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. સારા વરસાદને પગલે જળાશયો અને નદીમાં નવા પાણીની આવક થઈ છે. તેમજ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.