Site icon Revoi.in

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર ઘર્ષણ: 50 પાકિસ્તાની જવાનો મરાયાનો તાલિબનનો દાવો

Social Share

અફઘાનિસ્તાન સાથે વધતા સરહદી તણાવ વચ્ચે પાકિસ્તાની સેનાએ જણાવ્યું છે કે તાજેતરના અથડામણમાં તેના પાંચ સૈનિકો અને 25 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ સરહદી હિંસાએ બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ ઊભો કર્યો છે. બીજી તરફ, તાલિબાનનો દાવો છે કે આ અથડામણમાં 50 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે.

પાકિસ્તાની સેનાના પ્રચાર વિભાગ ઇન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, આ અથડામણ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાથી બાદની સૌથી તીવ્ર સરહદી હિંસા છે. આ હુમલા એવા સમયે થયા છે જ્યારે અફઘાન અને પાકિસ્તાની અધિકારીઓ ઇસ્તંબુલમાં યુદ્ધવિરામ કરાર અંગે ચર્ચા કરી રહ્યા હતા. ISPRએ સવાલ ઉઠાવ્યો કે “જ્યારે બંને દેશોના પ્રતિનિધિઓ તુર્કીમાં શાંતિ વાતચીત કરી રહ્યા છે, ત્યારે જ ફિતના અલ ખ્વારિજ જેવા આતંકવાદી સંગઠનો દ્વારા ઘૂસણખોરીના પ્રયાસો થવા એ ગંભીર બાબત છે.”

સેનાએ વધુમાં જણાવ્યું કે આ ઘટનાથી એ શંકા ઊભી થાય છે કે અફઘાનિસ્તાનની વચગાળાની સરકાર તેની જમીન પરથી ચાલી રહેલા આતંકવાદી પ્રવૃત્તિઓ પર ખરેખર નિયંત્રણ રાખવા ઈચ્છે છે કે નહીં. પાકિસ્તાનના દાવા મુજબ, દેશ લાંબા સમયથી અફઘાન સરકારને સરહદ સુરક્ષામાં સુધારણા અને દોહા કરાર હેઠળની પોતાની જવાબદારીઓનું પાલન કરવાની વિનંતી કરતું આવ્યું છે. પાકિસ્તાનની અપેક્ષા છે કે અફઘાનિસ્તાન પોતાની ધરતીનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ થતો રોકશે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે તાજેતરમાં ચેતવણી આપી હતી કે જો ઇસ્તંબુલની શાંતિ ચર્ચાઓ નિષ્ફળ જશે, તો ઇસ્લામાબાદ અફઘાનિસ્તાન સામે ખુલ્લું યુદ્ધ શરૂ કરી શકે છે. ગયા અઠવાડિયે, કતાર અને તુર્કિયેની મધ્યસ્થતામાં દોહામાં થયેલી વાટાઘાટો બાદ, બંને દેશોએ તાત્કાલિક યુદ્ધવિરામ પર સંમતિ વ્યક્ત કરી હતી. જોકે, ઇસ્તંબુલની બેઠક દરમિયાન જ થયેલી આ અથડામણથી બંને દેશો વચ્ચે ફરી તણાવનું વાતાવરણ સર્જાયું છે.