Site icon Revoi.in

ચોટિલા ડૂંગર પર ચાંમુડા માતાજીના દર્શન માટે ફ્યુનિક્યુલર સિસ્ટમ રાઈડ શરૂ થશે

Social Share

સુરેન્દ્રનગરઃ પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગર પર બિરાજમાન ચાંમુડા માતાજીના દર્શન કરવા માટે 635 પગથિયા ચડવા પડે છે. વૃદ્ધો અને અસક્ત ભાવિકોને ડૂંગરના પગથિયા ચડવામાં મુશ્કેલી પડતી છે. હવે ચોટિલા પર્વત પર ફ્યુનિક્યુલર કોચ સિસ્ટમ પ્રોજેક્ટ બની રહ્યો છે. આ રાઈડથી ભક્તો માત્ર પાંચ મિનિટમાં જ માં ચામુંડાના દ્વારે પહોંચી શકાશે. પ્રોજેક્ટ અંગે ચોટીલા મહંત મનસુખગીરીના કહેવા મુજબ , આગામી ચૈત્ર નવરાત્રી સુધીમાં આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય તેવી આશા છે. આ પ્રોજેક્ટ વૃદ્ધ, અસક્ત અને બીમાર ભક્તો માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે.

ચોટીલા ડુંગરના પગથિયા પાસે માત્ર 20 ફૂટ વિસ્તારમાં આ ફ્યુનિક્યુલર સિસ્ટમ કાર્યરત થશે. જેમાં ફ્યુનિક્યુલર કોચ (સિંગલ કોચવાળી ટ્રેન) જશે. આવા કુલ 6 કોચ ઉપર જશે અને છ કોચ નીચે આવશે, એમ કુલ 12 કોચ કાર્યરત થશે, જેમાં એક કોચમાં કુલ છ વ્યક્તિઓ બેસી શકશે. હાલમાં આ પ્રોજેક્ટનું 30થી 35 ટકા કામ પૂર્ણ થયુ છે, આ પ્રોજેક્ટ પુરો થયા બાદ ડુંગર પર ચડવાનું ભાડું ટ્રસ્ટ દ્વારા રૂ. 30 પ્લસ જીએસટી સાથે વસૂલ કરવામાં આવશે.

ચોટીલા મહંતે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ કાર્યરત થયા બાદ પથ્થર સહિત વજનદાર સામગ્રી અને પૂજા વિધિની તમામ સામગ્રી પણ આ કોચમાં લઇ જવાશે, જે હાલમાં ડુંગર ટ્રસ્ટના માણસો જાતે ડુંગર ચઢીને લઇ જવામાં આવશે, આમ આગામી ચૈત્ર નવરાત્રીથી લાખો શ્રદ્ધાળુઓ માટે આ નવું નજરાણું જોવા મળશે.

યાત્રાધામ ચોટીલાના આ ડુંગર પર પ્રતિદિન સરેરાશ 7,000થી 10,000 શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે અને ચૈત્ર નવરાત્રિમાં અંદાજે બેથી અઢી લાખ શ્રદ્ધાળુઓ ઊમટે છે. અને દિવાળીથી પાંચમ સુધીમાં તો અંદાજે પાંચ લાખ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર અહીં ઊમટે છે, જેમાં આખા વર્ષમાં ભાઈ બીજના દિવસે અભૂતપૂર્વ ધસારો જોવા મળે છે. નેશનલ હાઈવે પણ પગપાળા સંઘોથી ઊભરાઈ જાય છે. ત્યારે આ સેવાથી શ્રદ્ધાળુઓને લાભ થશે.