
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 3.28 કરોડના ખર્ચે બે સ્માર્ટ સ્કુલ બનાવવા ખાતમહૂર્ત કરાયું
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને દોઢ મહિનાથી ઓછો સમય હાકી રહ્યો છે. અને ગમે ત્યારે ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવશે. અને ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા અમલમાં આવી જશે. એટલે આચારસંહિતા અમલમાં આવે તે પહેલા જ સરકારે વિકાસ કામોના ખાતમૂહુર્તો અને ઉદઘાટનો કરવા લાગી છે. ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોમવારે અનેક કામોના વિવિધ સ્થળે ખાતમુહૂર્ત કરાયા હતા. જેમાં રૂપિયા 3.28 કરોડના ખર્ચે સ્માર્ટ સ્કુલ બનાવવા માટે ખાતમૂહુર્ત કર્યું હતું.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાયબ કાર્યપાલક, સિવિલ ઇજનેરી શાખા-1 તથા 2 હસ્તકના અનેક કામોનું વિવિધ સ્થળે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જૈન મંદિર પાસે, વણઝારા વાસ, બોરીજ ખાતે રૂ. 2.95 કરોડના ખર્ચે તૈયાર થનારા સી.સી. રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત શહેરમાં કુલ 05 શાળાઓ કુલ રૂ.6.57 કરોડના ખર્ચે સ્માર્ટ શાળામાં રૂપાંતર અંતર્ગત પ્રથમ સેકટર 06 તથા સેકટર 02માં પ્રાથમિક શાળાને રૂ. 3.28 કરોડના ખર્ચે સ્માર્ટ શાળામાં રૂપાંતર કરાશે .કુડાસણ ખાતે શ્લોક રેસિડેસન્સીની સામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૂ. 2.02 કરોડના ખર્ચે તૈયાર થશે. તેમજ કુડાસણ ખાતે રૂ.1.95 કરોડના ખર્ચે લાઈબ્રેરીનું બાંધકામ કરવામાં આવશે. આ તમામ કામોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતુ.
આ તમામ કામોનું ખાતમુહૂર્ત ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંતભાઈ પટેલ, શહેર અધ્યક્ષ રુચિરભાઈ ભટ્ટ, સ્થાનિક કાઉન્સિલરો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.