- વેન્ડિંગ મશીનમાં માત્ર 10 રૂપિયામાં કાપડની થેલી મળશે,
- વેન્ડિંગ મશીન માટે મ્યુનિને કોઈ ખર્ચ થશે નહીં,
- એજન્સી વેન્ડિંગ બુથ પર જાહેરાતો મૂકીને આવક મેળવશે.
ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લોક ભાગીદારીથી શહેરમાં 10 સ્થળોએ કાપડની થેલી માટે વેન્ડિંગ મશીન મુકવામાં આવશે. રૂપિયા 10માં લોકોને કાપડની થેલી મળશે. શહેરમાં લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે તે માટે આ પ્રયોગ કરાશે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશને શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે નવી પહેલ શરૂ કરી છે. શહેરમાં દસ જુદા જુદા સ્થળોએ કપડાની થેલીના વેન્ડિંગ મશીન મૂકવામાં આવશે. નાગરિકો આ મશીનમાંથી માત્ર દસ રૂપિયામાં કપડાની થેલી ખરીદી શકશે. પી એન્ડ બી મીડિયા કન્સલ્ટન્ટ આ પ્રોજેક્ટનું અમલીકરણ કરશે. સ્થાયી સમિતિના ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું કે મ્યુનિ. કોર્પોરેશનને આ પ્રોજેક્ટમાં કોઈ ખર્ચ નહીં થાય. એજન્સી વેન્ડિંગ બુથ પર જાહેરાતો મૂકીને આવક મેળવશે. વેન્ડિંગ બુથ માર્કેટ, શાળા-કોલેજ કેમ્પસ, સચિવાલય, મહાત્મા મંદિર અને અક્ષરધામ જેવા ભીડવાળા વિસ્તારોમાં સ્થાપિત થશે. આ બુથ પર ડ્રાય વેસ્ટનો સંગ્રહ પણ કરવામાં આવશે. એજન્સીએ દર મહિને કચરા સંગ્રહ અને થેલી વેચાણનો રિપોર્ટ મ્યુનિ. કોર્પોરેશનને આપવાનો રહેશે. મ્યુનિ. કોર્પોરેશને એજન્સી માટે નિયમો બનાવ્યા છે. નિર્ધારિત સ્થળો સિવાય કચરો ફેંકવા પર 200 રૂપિયા દંડ લેવાશે. કચરાનો સમયસર નિકાલ ન કરવા પર 100 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. આ પ્રોજેક્ટ દસ વર્ષ માટે મંજૂર કરવામાં આવ્યો છે.