નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર 2026: કુખ્યાત ગેંગસ્ટર અબુ સલેમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ભારતની જેલમાંથી મુક્ત કરવાની માંગ કરી હતી. તેણે દાવો કર્યો હતો કે, તે ભારતમાં 25 વર્ષની જેલ ભોગવી ચૂક્યો છે અને પોર્ટુગલથી તેના પ્રત્યાર્પણ વખતે ભારતે જે શરતો સ્વીકારી હતી, તેના નિયમ મુજબ તેની જેલની મુદત 25 વર્ષથી વધુ ન હોઈ શકે. આ જ આધાર પર સલેમે તાત્કાલિક મુક્તિની માંગણી કરી હતી.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની પીઠે સલેમની અરજી પર પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે બોમ્બે હાઈકોર્ટના એપ્રિલ માસના આદેશને સંપૂર્ણપણે યથાવત રાખ્યો છે. હાઈકોર્ટે સલેમની તાત્કાલિક મુક્તિની માંગને ‘સમય પહેલાંની’ અને ‘ખોટા આધાર પર’ દાખલ કરાયેલી અરજી ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ જ ચુકાદાને પડકારતી સલેમની અરજી ફગાવી દીધી છે.
ભારત અને પોર્ટુગલ વચ્ચે થયેલી પ્રત્યાર્પણની શરતોમાં અબુ સલેમ અંગે મુખ્યત્વે બે મહત્વની બાબતો હતી. પ્રથમ, તેને ભારતમાં ફાંસી (મોતની સજા) આપી શકાશે નહીં. બીજું, તેની કેદની મુદત 25 વર્ષથી વધુ નહીં થાય. સલેમે પોતાની મુક્તિ માટે આ જ શરતોને આધાર બનાવીને દાવો કર્યો હતો કે 25 વર્ષ પૂરા થયા બાદ તેને જેલમાંથી મુક્ત કરી દેવો જોઈએ.
-
અબુ સલેમ ભારત કેવી રીતે આવ્યો હતો?
અબુ સલેમ વર્ષ 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિત છે. તેને પોર્ટુગલથી ભારત લાવવા માટે લાંબી કાનૂની લડાઈ લડવામાં આવી હતી અને અંતે 11 નવેમ્બર 2005ના રોજ તેનું ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રત્યાર્પણ દરમિયાન ભારત અને પોર્ટુગલ વચ્ચે જે શરતો પર સમજૂતી સધાઈ હતી, પાછળથી સલેમે તેનો જ હવાલો આપીને પોતાની મુક્તિની માંગણી કરી હતી.
હાલ સુપ્રીમ કોર્ટે અબુ સલેમને તાત્કાલિક મુક્તિ આપવાનો સાફ ઇન્કાર કરી દીધો છે. અદાલતે તેની અરજી ફગાવીને બોમ્બે હાઈકોર્ટનો આદેશ માન્ય રાખ્યો છે. જોકે, સુપ્રીમ કોર્ટે પોતાના વિગતવાર આદેશની જાહેરાત હજુ સુધી કરી નથી. વિગતવાર ચુકાદો બહાર આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે પીઠે કયા ચોક્કસ આધારો પર સલેમની દલીલો ફગાવી છે.


