ઇસ્લામાબાદ, 10 સપ્ટેમ્બર 2026: યમનના આતંકી સંગઠન હૂતિઓ દ્વારા સાઉદી અરેબિયા પર સતત બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોન હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આ ભીષણ હુમલાઓને કારણે સાઉદીના અનેક મહત્વપૂર્ણ ઉર્જા પ્રોજેક્ટ્સ, એરપોર્ટ્સ અને યાન્બુ શહેરના બંદર પાસે રેડ સી માં આવેલા વાણિજ્યિક ઓઈલ ટેન્કરોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સાઉદી અરેબિયા દ્વારા પણ આ હુમલાઓનો જડબાતોડ જવાબ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ હૂતિઓની આક્રમકતા સામે હાલ સાઉદીની રણનીતિ અસરકારક સાબિત થતી નથી દેખાઈ રહી. આ દરમિયાન સમગ્ર વિશ્વમાં એક જ સવાલ ચર્ચાના એરણે ચડ્યો છે કે, અગાઉ સાઉદી અરેબિયાના નેતૃત્વમાં ત્રણ ઇસ્લામિક દેશો વચ્ચે પરસ્પર બચાવ માટે જે ‘મક્કા કરાર’ થયો હતો તેનું શું થયું? શા માટે આ કરાર હેઠળ સાઉદીના સહયોગી બનેલા પાકિસ્તાન અને તુર્કી તેની મદદે આગળ આવી રહ્યા નથી? એક પરમાણુ શક્તિ હોવા છતાં પાકિસ્તાન માત્ર શાબ્દિક ચેતવણીઓ સુધી જ કેમ સીમિત છે?
હૂતિઓએ સાઉદી પરના આ હુમલાઓને ઉત્તર-પશ્ચિમ યમનમાં સાઉદી હવાઈ હુમલાઓના જવાબમાં કરવામાં આવેલી કાર્યવાહી ગણાવ્યા છે. આ હુમલાઓ અને લાલ સમુદ્રમાં વ્યાપારી જળમાર્ગો જોખમાતા વૈશ્વિક સ્તરે કાચા તેલની સૂરક્ષાને લઈને ફફડાટ વ્યાપ્યો છે અને ઓઇલના ભાવ 100 ડૉલરને પાર પહોંચી ગયા છે. દરમિયાન ગત મહિને જ સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે મક્કા કરાર પર હસ્તાક્ષર થયા હતા. તે સમયે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ સમજૂતી પશ્ચિમી દેશોના સંગઠન ‘નાટો’ (NATO) ની જેમ જ કામ કરશે, એટલે કે આ કરારમાં સામેલ કોઈપણ એક દેશ પર થયેલો હુમલો ત્રણેય દેશો પર થયેલો હુમલો ગણાશે અને તેઓ પરસ્પર બચાવ માટે મેદાને આવશે. જોકે, આ કરારની પ્રથમ કસોટી એક જ મહિનામાં સામે આવી ગઈ, છતાં ન તો પાકિસ્તાન કે ન તો તુર્કી તરફથી સાઉદીને કોઈ સૈન્ય મદદ મોકલવામાં આવી છે.
-
પાકિસ્તાન સાઉદીની મદદ કેમ નથી કરી રહ્યું?
સંસદનો કાયદો અને નીતિ: 2015માં પાકિસ્તાનની સંસદ (મજલિસ-એ-શૂરા) એ સર્વાનુમતે એક પ્રસ્તાવ પસાર કરીને યમન સંઘર્ષમાં સંપૂર્ણપણે તટસ્થ રહેવાનો આદેશ આપ્યો હતો. જ્યાં સુધી સંસદ આ કાયદો ન ફેરવે ત્યાં સુધી પાકિસ્તાની સેના સીધી જંગમાં કૂદી શકે તેમ નથી.
ઈરાન સાથેના સંવેદનશીલ સંબંધો: યમનના હૂતિ વિદ્રોહીઓને ઈરાન સમર્થન આપે છે. પાકિસ્તાનની ઈરાન સાથે લગભગ 900 કિલોમીટર લાંબી સરહદ છે. હૂતિઓ સામે સૈન્ય કાર્યવાહી કરવાથી તેહરાન સાથેના સંબંધો બગડી શકે છે અને પાકિસ્તાનમાં વસતી 15 થી 20 ટકા શિયા વસ્તીના કારણે આંતરિક સાંપ્રદાયિક અશાંતિ ફાટી નીકળવાનું જોખમ છે.
ઘરેલુ આર્થિક અને સુરક્ષા સંકટ: પાકિસ્તાન પહેલેથી જ પૂર્વ સરહદે ભારત, પશ્ચિમે અફઘાનિસ્તાન અને આંતરિક આતંકવાદ સામે ઝઝૂમી રહ્યું છે, સાથે જ દેશની ખરાબ આર્થિક સ્થિતિ પણ તેની સૈન્ય ક્ષમતાઓને મર્યાદિત કરે છે.
-
તુર્કીના અંતર રાખવાના કારણો
તુર્કીના અધિકારીઓના જણાવ્યા મુજબ, મક્કા કરાર સ્પષ્ટપણે રક્ષણાત્મક પ્રકૃતિનો છે. તેમાં ‘એક પર હુમલો એટલે બધા પર હુમલો’ જેવી ભાષા જરૂર વપરાઈ છે, પરંતુ નાટોના આર્ટિકલ-5 ની જેમ તેમાં આપોઆપ યુદ્ધમાં જોડાઈ જવાની કોઈ કાનૂની મર્યાદા નથી. તુર્કી અને પાકિસ્તાન બંને પશ્ચિમ એશિયામાં મોટું યુદ્ધ ભડકે તેવું ઈચ્છતા નથી.
-
પાકિસ્તાની નેતાઓની પ્રતિક્રિયાઓ
વડાપ્રધાન શહબાઝ શરીફે સાઉદી પરના હુમલાની કડક શબ્દોમાં નિંદા કરતા તેને કાયરતાપૂર્ણ ગણાવ્યો છે અને સાઉદીની અખંડિતતા પ્રત્યે સમર્થન દોહરાવ્યું છે. જ્યારે રક્ષામંત્રી ખ્વાજા આસિફે સ્પષ્ટ કર્યું છે કે, આ સંયુક્ત રક્ષા કરાર છે અને જરૂર પડ્યે સાઉદી સાથે ઊભા રહેવા માટે પ્રતિબદ્ધ છીએ, પરંતુ આ કોઈ આક્રમક કરાર નથી જેનાથી ત્રીજા દેશ પર પોતાની મેળે હુમલો કરી શકાય.


