1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો 23મી નવેમ્બરથી પ્રારંભ થશે, તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો 23મી નવેમ્બરથી પ્રારંભ થશે, તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

0
Social Share

જૂનાગઢ :  ગરવા ગિરનારની પરિક્રમા પરિક્રમા તા. 23 નવેમ્બર કાર્તિકી એકાદશીથી 27 નવેમ્બર કાર્તિકી પૂનમ સુધી યોજાશે. ગિરનારથી પરિક્રમાનું વિશેષ મહાત્મ્ય છે. અનેક ભાવિકો પરિક્રમા માટે જુનાગઢ પહોંચી રહ્યા છે. પરિક્રમાના માર્ગ પર સેવા કેમ્પો લાગી ગયા હતા. તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર, પોલીસ, અન્નક્ષેત્રો તેમજ સેવા સંસ્થાઓ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. ખાસ કરીને સ્વચ્છતા અને પીવાના પાણીની સમસ્યા હલ કરવાનું તંત્ર માટે કસોટી ભર્યું છે. પદયાત્રીઓને પણ સ્વચ્છતા જાળવવા માટેની અપીલ કરવામાં આવી છે.

ગરવા ગિરનારની પરિક્રમાનો તા.23મીને ગુરૂવારથી પ્રારંભ થશે. આ પરિક્રમાની પદયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે. પદયાત્રિકો 40 કિમીની યાત્રા દરમિયાન મુખ્ય ચાર પડાવ ચાર દિવસમાં પાર કરશે  પ્રકૃતિની ગોદમાં ખળખળ કરતા ઝરણાઓ, ઊંચા ઢોળાવો, કપરાં ચઢાણ, ગાઢ જંગલમાં યાત્રિકો ભોજન ભજન અને ભક્તિ કરતાં કુદરતને માણશે. સૌ પ્રથમ કાર્તિકી એકાદશીએ રાતે બાર વાગ્યે પરિક્રમા રૂટ પરથી પૂજા પ્રાર્થના કરી પરિક્રમાનો પ્રારંભ થશે. અને આખી રાત ચાલ્યા બાદ પ્રથમ પડાવ જીણાબાવાની મઢી પહોંચે છે. ત્યાં ભોજન, ભજન અને ભક્તિ સાથે રાતવાસો કરી બીજા દિવસે ઇટવાની ઘોડી અને માળવેલાંની કપરી ઘોડીનું ચઢાણ કરી માળવેલાની જગ્યામા પહોંચે છે. આ સ્થાન એકદમ ગાઢ જંગલોમાં આવેલું છે. ત્યાં બીજા પડાવનો રાતવાસો કરે છે. ઘણા લોકો અહી રોટલા, ઓળો, ખીચડીનું દેશી સ્વાદિષ્ટ ભોજન બનાવે છે અને ભક્તિ સાથે આનંદ માણે છે. ત્રીજા દિવસે ત્યાંથી આગળ ચાલતાં ચાલતાં સુરજકુંડ, સુખનાળા થઈ બોરદેવી પહોંચે છે. ત્યાં કુદરતી જંગલનો માહોલ અને વન્યજીવોના ખતરા સાથે રાતવાસો કરે છે. આખરે ચોથા દિવસે બોરદેવીથી આગળ ચાલતા ભવનાથ પહુંચે છે અને દામોદરકુંડમાં સ્નાન કરી ભાવિકો  યાત્રા પૂર્ણ કરે છે.

કહેવાય છે લીલી પરિક્રમા સદીઓથી ચાલતી પરંપરા છે. ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત 33 કોટી દેવતાઓના વાસ અને હિમાલયના દાદા ગણાતા ગિરનારની પરિક્રમા કરી હતી. જે કોઈ આ પરીક્રમા કરે છે એ સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે. આ પરિક્રમા દરમિયાન 200 થી વધુ અન્નક્ષેત્રો, 150 સેવા સંસ્થાઓ, 25 થી વધુ મેડિકલ કેમ્પ અને આ વખતે ખાસ હાર્ટ એટેકને લઇ એમડી ડોકટર પણ તૈનાત રખાશે. પીવાના પાણીના 15 પોઇન્ટ, લાઈટ અને લોકોની સુરક્ષાને લઇ 500 થી વધુ પોલીસ કર્મચારીઓને યાત્રા રૂટ પર તૈનાત કરવામાં આવશે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code