GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા “હેલ્થ સમિટ”નું આયોજન: જુઓ Video
અમદાવાદ, 16 ડિસેમ્બર, 2025ઃ GCCI Business Women Committee GCCIની બિઝનેસ વુમન કમિટીએ તારીખ 15 થી 19 ડિસેમ્બર, 2025 દરમિયાન “એલિવેટીંગ હેલ્થ અવેરનેસ વિથ લીડર્સ ઇન મેડિસિન” – “સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ” થીમ સાથે “હેલ્થ સમિટ”નું આયોજન કર્યું છે. આ સમગ્ર આયોજન GCCI હોસ્પિટલ અને મેડિકલ કમિટીના સહયોગથી કરવામાં આવ્યું છે.
આ શ્રેણીમાં આગામી દિવસોમાં સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલના સ્થાપક અને ડિરેક્ટર ડૉ. ભરત દવે ઓસ્ટિયોપોરોસિસ અને સાર્કોપેનિયા પર વાત કરશે. પલ્મોનોલોજિસ્ટ ડૉ. પાર્થિવ મહેતા શહેરી વાતાવરણમાં શ્વસન સુખાકારી પર વાત કરશે. ડૉ. સુધાંશુ પટવારી ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ, આંતરડાના સ્વાસ્થ્ય અને ઉચ્ચ પરફોર્મન્સ, પાચન, રોગપ્રતિકારક શક્તિ અને જીવનશૈલીના વિવિધ ટ્રિગર વિશે વાત કરશે. ડૉ. કેયુર પરીખ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને ચેરમેન, CIMS હોસ્પિટલ અને ડૉ. અનિશ ચંદારાણા, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, CIMS હોસ્પિટલ, સ્વસ્થ હૃદય સાથે સંવાદિતા, ઉદ્યોગસાહસિકો અને પરિવારો માટે કાર્ય-જીવન સંતુલન વ્યૂહરચના વિશે વાત કરશે.

GCCI પ્રમુખ સંદીપ એન્જિનિયર અને અન્ય પદાધિકારીઓ આજના સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત સંબોધનમાં GCCIના પ્રમુખ સંદીપ એન્જિનિયરે બિઝનેસ વુમન કમિટી (BWC) દ્વારા 15 થી 19 ડિસેમ્બર, 2025 દરમિયાન આયોજિત થનારી GCCI Health Summit – “Elevating Health Awareness with Leaders in Medicine” ની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આવા આરોગ્ય કેન્દ્રિત કાર્યક્રમો વ્યવસાય જગતમાં આરોગ્ય જાગૃતિ વધારવામાં તેમજ પ્રતિરોધક આરોગ્ય સંસ્કૃતિ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ યોજાયેલા પ્રથમ દિવસના સત્રમાં સ્વાગત કરતા GCCI બિઝનેસ વુમન કમિટીના ચેરપર્સન આશાબેન વઘાસિયાએ મુખ્ય વક્તા ડૉ. સંજીવ ફાટક, MD PGDDM (UK), પ્રખ્યાત ડાયાબિટીસ નિષ્ણાત અને મેટાબોલિક ફિઝિશિયનને આવકાર્યા હતા. તેઓએ આજની આપણા સૌની વ્યસ્ત જીવનશૈલીમાં, જ્યાં સ્પર્ધા ખૂબ તીવ્ર છે અને અપેક્ષાઓ ખૂબ ઊંચી છે ત્યારે સુદ્રઢ સ્વાસ્થ્યના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ફક્ત સતર્ક અને સ્વસ્થ મન અને મજબૂત અને તંદુરસ્ત શરીરથી જ આપણે બધા દૈનિક પડકારોનો સામનો કરી શકીએ અને સફળતા પ્રાપ્ત કરી શકીએ.
તેઓએ પ્રખ્યાત ડાયાબિટીસ નિષ્ણાત અને મેટાબોલિક ફિઝિશિયન ડૉ. સંજીવ ફાટકનો શ્રોતાઓને પરિચય કરાવ્યો હતો અને ડાયાબિટીસ વ્યક્તિના જીવન અને સ્વાસ્થ્યને કેવી રીતે જોખમમાં મૂકે છે તે બાબતનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ ડાયાબિટીસ થકી થતા વિઝન લોસ, કિડની નિષ્ફળતા, હૃદયની બીમારીઓ, ક્રોનિક થાક અને શરીરના વિવિધ ભાગોમાં સોજો જેવા વિનાશક પ્રભાવનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે GCCI બિઝનેસ વુમન કમિટી સભ્યો અને મહિલા ઉદ્યોગસાહસિકોની સેવા અને સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે અને આશા વ્યક્ત કરી કે આરોગ્ય શ્રેણી સભ્યો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
આ પ્રસંગે બોલતા ડૉ. સંજીવ ફાટકે આ વિષય પર ખૂબ જ વિગતવાર ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ડાયાબિટીસ એક સાયલન્ટ કિલર છે. તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે વિવિધ જીવનશૈલી સંબંધિત પરિવર્તન દ્વારા વ્યક્તિ ડાયાબિટીસને નિયંત્રિત કરી શકે છે અને સ્વસ્થ જીવન જીવી શકે છે. તેમણે “મેટાબોલિઝમ” ની વ્યક્તિના સ્વાસ્થ્ય પર તેમજ ડાયાબિટીસ અને અન્ય ઘણા રોગોને નિયંત્રિત કરવામાં થતી અસરો વિશે પણ વિગતવાર ચર્ચા કરી હતી. બિઝનેસ વુમન કમિટી કો.ચેરપર્સન કવિતા દેસાઈ શાહ દ્વારા આભારવિધિ પછી હેલ્થ શ્રેણીનું આ પ્રથમ સત્ર પૂર્ણ થયું હતું.


