Site icon Revoi.in

ગીર ફાઉન્ડેશન દ્વારા બાળકો માટે ‘ઇકો રાખી મેકિંગ એક્ટિવિટી’ યોજાઈ

Social Share

ગાંધીનગરઃ ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા ‘રક્ષાબંધન’ પર્વ નિમિતે પર્યાવરણના જતનની સાથેસાથે ઘરમાં રહેલી વધારાની વસ્તુઓનો ઉપયોગ કરીને બાળકો ‘ઇકો ફ્રેન્ડલી’ રાખડી તૈયાર કરી શકે તેવા હેતુથી ‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગરના ઉપક્રમે ઇન્દ્રોડા ખાતે ‘ઇકો રાખી મેકિંગ એક્ટિવિટી’ યોજવામાં આવી હતી. જેમાં ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાતે આવેલા અંદાજે 40 થી 50 જેટલા બાળકો સહિત તેમના વાલીઓ અને યુવાનોએ પણ આ એક્ટિવિટીમાં સહભાગી થઇને અલગ અલગ પ્રકારની ઇકો ફ્રેન્ડલી સુંદર રાખડીઓ તૈયાર કરી હતી.

નાગરીકોને સાતત્યપૂર્ણ જીવનશૈલી અપનાવવા, પર્યાવરણ પ્રત્યે સવાંદનશીલતા લાવવા અને ‘મિશન લાઈફ’ના ઉદ્દેશને સાકાર કરવા ગીર ફાઉન્ડેશન દ્વારા વર્ષ દરમિયાન આ પ્રકારની અલગ અલગ થીમ આધારિત નવતર પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ રાખી મેકિંગ એક્ટિવિટીમાં બાળકો પોતાની જાતે કેવી રીતે ઘરની વસ્તુઓનો ઉપયોગ કરીને નવા આઈડિયા સાથે રાખડી તૈયાર શકે છે તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ જૂના તોરણના મોતી,મણકા,નળાસરી, પિસ્તાની છાલ,ન્યુઝ પેપર વગેરેનો ઉપયોગ કરીને મનગમતી રાખડીઓ પણ બનાવવાનું શીખવાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ છોડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તેમ, ગીર ફાઉન્ડેશન, ગાંધીનગરની યાદીમાં જાણવાયું છે.