1. Home
  2. ગુજરાતી
  3. વૈશ્વિક તેલ સંકટ: હોર્મુઝમાં સપ્લાય ઠપ થતા ક્રૂડ ઓઈલ 110 ડોલરને પાર
વૈશ્વિક તેલ સંકટ: હોર્મુઝમાં સપ્લાય ઠપ થતા ક્રૂડ ઓઈલ 110 ડોલરને પાર

વૈશ્વિક તેલ સંકટ: હોર્મુઝમાં સપ્લાય ઠપ થતા ક્રૂડ ઓઈલ 110 ડોલરને પાર

0
Social Share

નવી દિલ્હી, 9 માર્ચ 2026: ઈરાન સાથેના સંઘર્ષને કારણે વિશ્વભરમાં ઉર્જા સંકટ ઘેરું બન્યું છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં તેલનો પુરવઠો ખોરવાતા આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 110 ડોલર પ્રતિ બેરલને વટાવી ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ભાવવધારાનો બચાવ કરતા જણાવ્યું છે કે, ઈરાનના પરમાણુ ખતરાને ખતમ કરવા માટે આ એક ‘કામચલાઉ કિંમત’ છે જે દુનિયાએ ચૂકવવી પડશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોર્મુઝ જળમાર્ગ લગભગ બંધ જેવી સ્થિતિમાં હોવાથી તેલના ભાવમાં 1980 પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો જોવા મળ્યો છે. WTI ક્રૂડ 20.75 ટકાના વધારા સાથે 109.75 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું છે. બ્રેન્ટ ક્રૂડ 18 ટકાથી વધુ ઉછળીને 109.48 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. નિષ્ણાતોના મતે જો આ સ્થિતિ લાંબી ચાલશે તો વર્ષના અંત સુધીમાં ભાવ 143 ડોલર સુધી પહોંચી શકે છે.

તેલના વધતા ભાવ અને યુદ્ધની આશંકાએ રોકાણકારોના જીવ અધ્ધર કરી દીધા છે. એશિયન બજારો ખુલતાની સાથે જ મોટા કડાકા જોવા મળ્યા હતા. જાપાનના બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે દક્ષિણ કોરિયાનું બજાર લગભગ 7 ટકા જેટલુ તુડ્યું હતું. આ બંને દેશો ઉર્જા માટે આયાતી તેલ પર નિર્ભર હોવાથી તેમની અર્થવ્યવસ્થા પર સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે.

હોર્મુઝની સામુદ્રધુની વિશ્વનો સૌથી મહત્વનો તેલ પરિવહન માર્ગ છે. વિશ્વનો મોટો ભાગનો તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) નો જથ્થો અહીંથી પસાર થાય છે. હાલમાં મિસાઈલ અને ડ્રોન હુમલાના ડરથી તેલના ટેન્કરોની અવરજવર ધીમી પડી ગઈ છે. સાઉદી અને કુવૈત જેવા ઉત્પાદકોએ ઉત્પાદન ઘટાડવું પડ્યું છે કારણ કે નિકાસના માર્ગો બંધ હોવાથી સ્ટોરેજ ટેન્કો ફૂલ થઈ ગઈ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, “ઈરાનનો પરમાણુ ખતરો ખતમ થયા પછી તેલના ભાવ ઝડપથી નીચે આવશે. વિશ્વની સુરક્ષા માટે આ એક નાની કિંમત છે.” જોકે, આર્થિક નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે ઇંધણ મોંઘું થવાથી પરિવહન અને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે, જે વૈશ્વિક મંદી તરફ દોરી શકે છે.

ઉર્જા ઈતિહાસકાર ડેનિયલ યેર્ગીનના મતે, આ તેલ ઉત્પાદનના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો વિક્ષેપ બની શકે છે. આ સ્થિતિ 1973ના આરબ તેલ પ્રતિબંધ અને 1979ની ઈરાની ક્રાંતિ જેવી આર્થિક મુસીબતોની યાદ અપાવે છે, જેણે તે સમયે વિશ્વને આર્થિક મંદીમાં ધકેલી દીધું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code