
5G સેવાઓના પ્રારંભ બાદ સાયબર ક્રાઈમના ગુનામાં વધારાની ગોવા DGPએ આશંકા વ્યક્ત કરી
મુંબઈઃ 5G સેવાઓની રજૂઆત સાથે રાજ્યમાં સાયબર ગુનાઓ વધશે. તેવી આશંકા ગોવાના ડીજીપી જસપાલ સિંહે વ્યક્ત કરી હતી. ગોવા પોલીસ આઈડિયાથોન-2022માં બોલતા ડીજીપીએ કહ્યું કે, 5G સેવાઓ શરૂ થયા બાદ મોટી સંખ્યામાં ઉપકરણો હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવા સાથે જોડાશે, તેથી સાયબર ગુનાઓ વધવાની શક્યતા છે.
ગોવાના ડીજીપી જસપાલ સિંહના નેતૃત્વમાં કાયદા અમલીકરણ એજન્સીઓ માટે 5જી ટેક્નોલોજી અંગે ચર્ચા કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગોવાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નાણાકીય છેતરપિંડી પર 5G ટેક્નોલોજીની અસર પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમની બહેતર KYC અને 360 ડિગ્રી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 5G કેવી રીતે ફાયદાકારક બની શકે છે તેના પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ફિનટેક નેટવર્ક્સ તેમજ ક્રિપ્ટો પ્લેટફોર્મ્સ દ્વારા વધતી છેતરપિંડીઓની ચિંતાઓ પર ચર્ચા સાથે સંભવિત સુરક્ષા પગલાંની ચર્ચા કરવામાં આવી હતી.
5G ટેક્નોલોજી સંબંધિત આ કાર્યક્રમમાં તમામ હિતધારકોની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી. આ કાર્યક્રમનો એક ઉદ્દેશ્ય પોલીસ કર્મચારીઓને ભવિષ્યમાં આવનારા ફેરફારો વિશે જાગૃત કરવાનો હતો. કાર્યક્રમનો હેતુ એ હતો કે, પોલીસ આગામી પડકારોનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર રહે. આ કાર્યક્રમમાં પોલીસ, શિક્ષણવિદો અને ઉદ્યોગ જગતના અનેક લોકો હાજર રહ્યા હતા.