Site icon Revoi.in

સોનાના ભાવ આસમાને પહોચ્યાં, 10 ગ્રામ સોનાનો ભાવ 1.12 લાખની સપાટીને સ્પર્શી ગયો

Social Share

અમદાવાદઃ ટ્રમ્પના ટેરિફ અને અન્ય વૈશ્વિક કારણો તેમજ ફેડરલ બેંક દ્વારા આગામી સમયમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાના નિર્ણયની જાહેરાતને લીધે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદ સહિત શહેરોમાં દસ ગ્રામ સોનાનો ભાવ 1.12 લાખની ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયો છે, જ્યારે એક કિલો ચાંદી 1.28 લાખના ભાવે વેચાઈ રહી છે. સોનાના ભાવમાં અસામાન્ય વધારાથી જ્વેલર્સ ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે. મધ્યમ વર્ગના લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બની રહ્યું છે. હાલ માત્ર રોકાણકારો જ સોનાની ખરીદી કરી રહ્યા છે.

સોના-ચાંદી બજારના જાણકારોના કહેવા મુજબ સોનાના ભાવ છેલ્લા કેટલાક સમયથી કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ફેડરલ બેંક દ્વારા આગામી સમયમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેની સીધી અસર સોના અને ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે. સામાન્ય રીતે, જ્યારે વ્યાજ દર ઘટે છે, ત્યારે રોકાણકારોનું ધ્યાન ફુગાવા સામે રક્ષણ આપતી અને સુરક્ષિત ગણાતી ધાતુઓ જેવી કે સોના અને ચાંદી તરફ જાય છે, જેના કારણે તેમની માંગમાં વધારો થાય છે અને ભાવ ઊંચકાય છે.

અમદાવાદના જ્વેલર્સના કહેવા મુજબ, સોનાના ભાવમાં અસામાન્ય વધારા માટે એક મોટું કારણ ટેરિફ વોર અને વિવિધ દેશો વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અસ્થિરતા વધતા રોકાણકારો સુરક્ષિત રોકાણની શોધમાં સોના તરફ વળે છે. દેશમાં ટૂંક સમયમાં જ તહેવારો અને લગ્નની સિઝન શરૂ થશે. પરંપરાગત રીતે, આ સમયગાળા દરમિયાન ઘરેણાં અને સોનાની ખરીદીમાં વધારો થાય છે, જેના કારણે ભાવમાં વૃદ્ધિ જોવા મળે છે. તાજેતરના ડેટા મુજબ, છેલ્લા દસ દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં 10% જેટલો જબરજસ્ત વધારો નોંધાયો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં 30થી 40%નો ઉછાળો જોવા મળી રહ્યો છે.

જવેલર્સના મતે સોનાના ભાવમાં આ અસાધારણ વધારાને કારણે હાલમાં ગ્રાહકો ખરીદી કરતા અચકાઈ રહ્યા છે. ઘણા ગ્રાહકો ભાવમાં સ્થિરતા આવે ત્યાં સુધી રાહ જોવાનું પસંદ કરી રહ્યા છે. જો ભાવમાં કરેક્શન નહીં આવે તો આવનારા લગ્નસરા અને અન્ય પર્વોમાં ખરીદીનું પ્રમાણ નીરસ રહેવાની શક્યતા છે. સોનાના ભાવમાં થઈ રહેલો આ વધારો દર્શાવે છે કે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે અને રોકાણકારો સુરક્ષિત ધાતુઓમાં વિશ્વાસ ધરાવે છે. જો કે, ભાવ યોગ્ય નથી લાગી રહ્યા અને ફેડરલ બેંકની આગામી મીટિંગ પછી તેમાં કરેક્શન આવવાની સંભાવના છે. તેમ છતાં, લાંબા ગાળાના રોકાણ માટે સોનું હજુ પણ એક સારો વિકલ્પ માનવામાં આવે છે.