બેંગ્લોરઃ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની તસ્કરીનો મોટો મામલો સામે આવ્યો છે. શારજાહથી ભારતમાં પરત ફરેલા એક મુસાફરને ગુપ્ત માહિતીના આધારે ડ્રગ્સ અને DRI ના હૈદરાબાદ ઝોનલ યુનિટના અધિકારીઓએ ઝડપી પાડ્યો હતો. એરપોર્ટ પર મળેલ માહિતીના આધારે અધિકારીઓએ મુસાફરના સામાનની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ લોખંડનુ બોક્સ મળ્યું હતું. તેને મુસાફરની હાજરીમાં ખોલવામાં આવ્યો ત્યારે તેની અંદર કુશળતાપૂર્વક છુપાવેલી વિદેશી સિક્કાવાળી 11 સોનાના સળીયા મળી આવ્યા હતા. નેલ્લોર સબ-રીજનલ યુનિટની મદદથી આંધ્ર પ્રદેશના YSR જિલ્લાના પ્રોડ્ડાટુર વિસ્તારમાં તસ્કરના સ્થાનિક હેન્ડલરને પણ પકડી પાડવામાં આવ્યો હતો. બંને યુનિટ વચ્ચેનું ત્વરિત સંકલન આ કામગીરીની વિશેષતા રહી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, જપ્ત કરાયેલ સોનાનું વજન 1196.20 ગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 1.55 કરોડ જેટલી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. કસ્ટમ્સ અધિનિયમ, 1962ની કલમ 110 હેઠળ સોનાની બાર જપ્ત કરવામાં આવી છે. તપાસ હજી ચાલુ છે અને DRIને આશા છે કે આ નેટવર્કના અન્ય આંતરરાષ્ટ્રીય કડીઓને પણ ઝડપવામાં આવશે. ભારતમાં સોનાની તસ્કરીને અત્યંત ગંભીર ગુનો માનવામાં આવે છે. એરપોર્ટ, સમુદ્રી બંદરો અને સરહદ વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ સતત નજર રાખી રહી છે. કસ્ટમ્સ અધિનિયમ, 1962 મુજબ જો કોઈ મુસાફર જાહેર કર્યા વિના અથવા શુલ્ક ચૂકવ્યા વિના સોનું દેશમાં લાવે છે, તો તેને તસ્કરી ગણવામાં આવે છે અને તેના સામે કડક કાર્યવાહી થાય છે. આવા કેસોમાં સોનું તરત જ જપ્ત કરી લેવામાં આવે છે ઉપરાંત દંડ અને જેલની સજા પણ થઈ શકે છે.

