Site icon Revoi.in

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઘઉંના 40.000થી વધુ કટ્ટાની આવકથી ઊભરાયું

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કૃષિપાકની આવકમાં ગોંડલ માર્કેટ યાર્ડ મોખરે રહેતુ હોય છે. હાલ ગોંડલ યાર્ડમાં ઘઉંની બમ્પર આવક થઈ રહી છે. જેમાં ગઈકાલે યાર્ડમાં લોકવન અને ટુકડા ઘઉંની 40 હજાર કટ્ટાની આવક નોંધાઈ હતી. લોકવન ઘઉંની હરાજીમાં 20 કિલોના ભાવ 490થી 552 રૂપિયા સુધી બોલાયા હતા.જ્યારે ટુકડા ઘઉંના ભાવ 416થી 671 રૂપિયા સુધી પહોંચ્યા હતા. યાર્ડમાં જગ્યા ન હોવાથી હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ઘઉંની આવક બંધ કરવામાં આવી છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હાલ ઘઉંની બમ્પર આવક થઈ રહી છે. રાતથી જ ઘઉંની બોરીઓ ભરેલા વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઘઉં ઉપરાંત અન્ય કૃષિપાકની પણ ધૂમ આવક થઈ રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ યાર્ડમાં આવી રહ્યા છે. ખેડૂતોને સારા ભાવ મળતા હોવાથી અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડુતો ગોંડલ યાર્ડમાં આવી રહ્યા છે. ચાર દિવસ પહેલા યાર્ડમાં ચણાની રેકોર્ડબ્રેક 1.75 લાખથી વધુ કટ્ટાની આવક થઈ હતી. હરાજીમાં ચણાનો 20 કિલોનો ભાવ 900થી 1100 રૂપિયા સુધી બોલાયો હતો. સફેદ ચણાનો ભાવ 1100થી 2100 રૂપિયા સુધી પહોંચ્યો હતો.

હાલ ગોંડલ માર્કેટિંગયાર્ડ તમામ જણસીથી ઉભરાઈ રહ્યું છે. રોજ અલગ-અલગ જણસીની આવક થઈ રહી છે. આવકની જાહેરાત થતાં જ મોટી સંખ્યામાં ખેડૂતો અને વાહન માલિકો જણસી લઈને આવી પહોંચે છે.