
ગુજરાતમાં ચોમાસાના વિદાય ટાણે 46 તાલુકામાં વરસાદના ઝાપટાં, ખેતી પાકને નુકશાનની ભીતી
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ વિદાય લઈ રહ્યું છે, ત્યારે જ બંગાળની ખાડીમાં હવામાં હળવું દબાણ સર્જાતા રાજ્યમાં આસો મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. રવિવારે રાજ્યના 46 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. જેમાં રાજકોટ જિલ્લામાં રવિવારે સવારથી બપોર સુધી મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. યાત્રાધામ વીરપુરમાં બપોર બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં અચાનક વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. હાલ મગફળી અને સોયાબીનનો પાક તૈયાર થવા પર હોય મોટાભાગના ખેડૂતોએ બન્ને પાક ઉપાડી લીધો છે. પરંતુ ધોધમાર વરસાદથી મગફળી અને સોયાબીનના પાથરા પલળી જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેતપુરમાં પણ મોડીસાંજે અનરાધાર વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ત્યારે રવિવારે ભાવનગર જિલ્લાના વલભીપુર અને ઉમરાળા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં વલભીપુરમાં એકાદ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જ્યારે ઉમરાળામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. તેમજ અરવલ્લી જિલ્લામાં રવિવારે બપોર સુધી તાપ રહ્યા બાદ સાંજના સુમારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. જિલ્લાના મેઘરજ, ઇસરી, રમાડ, મોટી મોયડી ભિલોડા તાલુકામાં તથા મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
રાજ્યના બોટાદ, મહિસાગર, નર્મદા, અમરેલીના બાબરા, પોરબંદરના કૂતિયાણા, જુનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા, ભાવનગરમાં બપોર બાદ જ વરસાદની એન્ટ્રી થઈ હતી. છેલ્લા ત્રણ દિવસથી ભાવનગરમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. આસોમાસમાં પણ અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લાના વલ્લભીપુર અને ઉમરાળા પંથકના ગામોમાં બપોર બાદ કાળા ડિબાગ વાદળાઓ વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોમાં ખૂબ ચિંતા વ્યાપી ગઈ છે. કપાસ માટેની લાણીનો સમય હોય ત્યારે જ કમોસમી વરસાદ થતા પાકમાં નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. તલ, બાજરી, ચણા, જીરુ, કપાસ, મગફળી જેવા અનેક પાકોને ખૂબ નુકસાન થવાની શક્યતા જોવા મળી રહી છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.