ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ મા.અને ઉ મા. શાળાઓમાં શિક્ષણ સહાયકોની 7531 જગ્યા ખાલી
ગાંધીનગરઃ ગુજરાતમાં શાળા કોલેજોમાં હાલ વેકેશન ચાલી રહ્યું છે, વેકેશન ખૂલતા જ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. નવા સત્રથી નવી શિક્ષણ નીતિનો અમલ પણ શરૂ થઈ જશે. રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન કરી રહી છે, અને વર્તમાન જરૂરિયાત મુજબ અભ્યાસક્રમમાં પણ ફેરફારો કરવામાં આવતા હોય છે. પણ ખાટલે મોટી ખોટ એ છે. કે, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પુરતા શિક્ષકો જ નથી. તે બાળકો ભણશે કેવી રીતે, રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની 7531 જગ્યાઓ ખાલી છે. તેમ છતાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ભરતી નહીં કરાતા ઉમેદવારોએ શિક્ષણમંત્રીને રજુઆત કરી હતી.
ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણ નીતિની અમલવારી કરવામાં આવશે. પરંતુ પ્રાથમિક શિક્ષણ બાદ માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ લેવા માટે સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે ત્યારે શિક્ષકની ખોટથી તેના શિક્ષણ ઉપર અસર પડશે. જોકે રાજ્યના શિક્ષણ વિભાગે ગત વર્ષ-2018-19માં શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવી હતી. તે ભરતીમાં 1.20ના નિયમથી ભરતી કરતા વિરોધ કરવામાં આવ્યો હતો. આથી જૂન-જુલાઇ-2021માં નવી ભરતી કરીશું તેમજ 1.20ના નિયમના કારણે જાહેર કરેલી જગ્યાઓ ખાલી રાખવામાં આવી હતી. આથી મેરીટમાં હોવા છતાં અસંખ્ય ઉમેદવારો નોકરીથી વંચિત રહેવા પામ્યા હતા. જોકે અનેક ઉમેદવારોએ 10/12 વર્ષોથી નોકરી માટે પ્રયત્નો કરતા હતા. આથી તેમના માટે આ છેલ્લી તક હોવાથી વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. જેને પરિણામેશિક્ષણ વિભાગમાં વારેવાર રજુઆત કરવા છતાં ટુંક સમયમાં ભરતી કરાશે એવું માત્ર આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવી નથી તેવો ટાટ પાસ ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે.
ગુજરાત વિધાનસભામાં રજુ કરેલા આંકડા મુજબ સરકારી માધ્યમિક શાળાઓમાં 730 અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 756 શિક્ષણ સહાયકની જગ્યાઓ ખાલી છે. જ્યારે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 2547 અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 3498 શિક્ષણ સહાયકોની જગ્યાઓ ખાલી છે. આથી ટાટ પાસ ઉમેદવારોનું શિક્ષક બનવાનું સ્વપ્ન સાકાર થાય તે માટે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી નવા શૈક્ષણિક સત્ર પહેલાં કરવામાં આવે તેવી માંગણી સાથે ટાટ પાસ ઉમેદવારોએ રાજ્યના શિક્ષણમંત્રીને લેખિતમાં રજુઆત કરી છે. જોકે રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 7531 શિક્ષણ સહાયકોની જગ્યાઓ ખાલી હોવાથી ભરતી કરવાની માંગણી સાથે ઉમેદવારોએ શિક્ષણમંત્રીને રજુઆત કરી હતી.