Site icon Revoi.in

રત્નકલાકારોને સરકારી સહાય મશ્કરી સમાન, કોંગ્રેસ દ્વારા આંદોલન કરાશે

Social Share

સુરતઃ હીરા ઉદ્યોગ અનેક પરિવારોને રોજગારી આપતો ઉદ્યોગ છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી મંદીનો દૌર ચાલી રહ્યો છે. જેમાં છેલ્લા વર્ષથી તો વ્યાપક મંદીને કારણે અનેક રત્નકલાકારો બેરોજગાર બન્યા છે, પરિવારનું ગુજરાત ન ચલાવી શકતા ઘણા રત્ન કલાકારોએ આત્મહત્યા પણ કરી છે. દરમિયાન ડાયમન્ડ એસો.એ ગુજરાત સરકાર પાસે રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કરવાની માગ કરી હતી. અનેક રજુઆતો બાદ રાજ્ય સરકારે રત્ન કલાકારો માટેનું પેકેજ જાહેર કર્યું છે.પણ તેનાથી રત્ન કલાકારોને સંતોષ નથી. ત્યારે કોંગ્રેસ એવો આક્ષેપ કર્યો છે કે, સરકારે જાહેર કરેલું પેકેજ રત્ન કલાકારોની મશ્કરી સમાન છે. અને કોંગ્રેસ આ મુદ્દે આંદોલન કરશે.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદીને કારણે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ નબળી થઈ છે, રાજ્યમાં સુરત શહેર હીરા ઉદ્યોગનું હબ ગણાય છે.  આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલા કેટલાક ચોક્કસ કારણોને લીધે હીરા ઉદ્યોગની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે. જેને પગલે રત્ન કલાકારોની આજીવિકા પર તેની સીધી અસર દેખાય છે. રાજ્ય સરકાર પાસે વારંવાર માંગણી કર્યા બાદ રાજ્ય સરકારે જાહેરાત તો કરી પરંતુ તેનાથી અસંતોષ વધુ દેખાઈ રહ્યો છે.

રાજયમાં સુરત શહેર સહિત હીરા ઉદ્યોગમાં આશરે 8થી 10 લાખ લોકો રોજગારી મેળવે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, 95 ટકા કરતાં વધારે રત્ન કલાકારો એવા છે કે જેમની કોઇપણ જગ્યાએ ઓનલાઈન નોંધણી થઈ નથી. એટલં જ નહીં પરંતુ ફેક્ટરી લો પણ ડાયમંડ ફેક્ટરીઓ ઉપર અમલમાં આવતો નથી. આજે રત્ન કલાકારોની ઓનલાઈન કાયદેસરની નોંધણી સરકારી ચોપડે નોંધાઈ નથી. રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારો માટે વિવિધ યોજનાઓ જાહેર કરીને તેમને આર્થિક રીતે પગભર કરવા માટેની પણ માંગણી કરવામાં આવી રહી હતી, પરંતુ હજી સુધી કોઇ મોટી જાહેરાત થઈ નથી. માત્ર તાજેતરમાં જ રત્ન કલાકારોના બાળકો માટે શિક્ષણની બાબતે જાહેરાત કરવામાં આવી પરંતુ તેને બાદ કરતા અન્ય કોઈ મોટી આર્થિક સહાય તેમને માટે કરવામાં આવી રહી નથી.

સુરતમાં કોંગ્રેસ નેતા દર્શન નાયકે જણાવ્યું હતું કે, રત્ન કલાકાર સંઘર્ષ સમિતિ થકી કોંગ્રેસ દ્વારા વારંવાર સરકારને સુરત શહેરના હીરા ઉદ્યોગની સ્થિતિ અને રત્ન કલાકારો ઉપર થઈ રહેલા શોષણ અંગે રજૂઆત કરવામાં આવી છે. મંદીના કારણે રત્ન કલાકારોને યોગ્ય વેતન મળી રહ્યું નથી જેના કારણે તેઓ પોતાનું જીવન પણ ટુકાવી રહ્યા છે. રત્ન કલાકારો આપઘાત કરી લેતા હોવાથી પત્નીએ પોતાનો પતિ અને સંતાનોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. આવી સ્થિતિમાં રત્ન કલાકાર બોર્ડની રચના કરવામાં આવે તેવી અમારી સરકાર પાસે માંગણી હતી.આ સાથે સાથે જે પણ ફેક્ટરીમાં રત્ન કલાકાર કામ કરે છે તેમની ઓનલાઈન નોંધણી થવી જરૂરી છે, પરંતુ એ રજિસ્ટ્રેશન પણ કરવામાં આવી રહ્યું નથી. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જે આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી તે રત્ન કલાકારોની જાણે મશ્કરી કરી હોય તેવું જણાઈ રહ્યું છે. આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા રત્ન કલાકારોના પડખે ઊભા રહીને તેમના ન્યાય માટેની લડાઈ આગળ ચલાવીશું. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં જ્યાં પણ જરૂર જણાશે ત્યાં અમે રત્ન કલાકારો માટે રજૂઆત કરીશું.