નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે, સરકાર ‘ગ્રેટર બાંગ્લાદેશ’ ના દુષપ્રચારનો સામનો કરવા માટે તૈયાર છે. જયશંકરે કહ્યું કે, ઢાકામાં ‘સુલ્તાનત-એ-બાંગ્લા’ નામના ઇસ્લામિક જૂથ દ્વારા ‘ગ્રેટર બાંગ્લાદેશ’ નો નકશો બહાર પાડવામાં આવ્યો છે, (જેને ‘ટર્કિશ યુથ ફેડરેશન’ નામના તુર્કી NGO દ્વારા સમર્થિત છે), જેમાં ભારતના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. સરકારે આની ગંભીર નોંધ લીધી છે. ભારત સરકાર રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતી તમામ ગતિવિધી ઉપર નજર રાખી રહી છે અને તેને સુરક્ષિત રાખવા માટે તમામ જરૂરી પગલાં લે છે.
વિદેશ મંત્રીએ રાજ્યસભામાં ‘ગ્રેટર બાંગ્લાદેશ’ ના દુષપ્રચારનો સામનો કરવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, સરકાર આવા અહેવાલો પર નજર રાખી રહી છે. તમને જણાવી દઈએ કે આ નકશો ઢાકા યુનિવર્સિટીમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શન 14 એપ્રિલ, 2025 ના રોજ પોહેલા વૈશાખ નિમિત્તે ઢાકા યુનિવર્સિટીમાં આયોજિત કરવામાં આવ્યું હતું. જો કે, આયોજકોએ કોઈપણ વિદેશી રાજકીય સંસ્થા સાથે કોઈપણ જોડાણ હોવાનો ઇનકાર કર્યો હતો. બાંગ્લાદેશ સરકારના ફેક્ટ-ચેકિંગ પ્લેટફોર્મ, ‘બાંગ્લાફેક્ટ’ એ પણ દાવો કર્યો હતો કે બાંગ્લાદેશમાં ‘સુલ્તાનત-એ-બાંગ્લા’ સક્રિય હોવાના કોઈ પુરાવા નથી. તેણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે ‘નકશો’ ભૂતપૂર્વ બંગાળ સલ્તનતના સંદર્ભમાં એક ઐતિહાસિક પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.