
સ્ટાર્ટઅપ માટે મનપા અને પાલિકા કક્ષાએ ઇન્ક્યુબેશન સેન્ટર શરૂનું સરકારનું આયોજન
નવી દિલ્હીઃ દેશમાં સ્ટાર્ટ અપ માટે કેન્દ્ર અને વિવિધ રાજ્યો સરકાર દ્વારા સહાય પુરી પાડવામાં આવી રહી છે. જેના પગલે અનેક સંખ્યામાં નવા સ્ટાર્ટ અપ શરૂ થયાં છે. દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે 2022ના સ્ટાર્ટ અપ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ પ્રસંગ્રે તેમણે ‘માર્ગ પ્લેટફોર્મ’ લોન્ચ કર્યું હતું. આ પ્લેટફોર્મ વડે દેશના તમામ સેક્ટરોના સ્ટાર્ટ અપ તેમજ ઉદ્યોગકારો એકબીજા સાથે સરળતાથી જોડાઇ શકશે.
સ્ટાર્ટ અપ પુરસ્કાર-2022માં કુલ 17 શ્રેણીમાં વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા તેમજ પોતાના સ્ટાર્ટ અપ વડે સમાજમાં સકારાત્મક પ્રભાવ ઉભો કરનારા ઉત્કૃષ્ટ ઉદ્યોગકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. દરમિયાન ગાંધીનગર સ્થિત ઈડીઆઈઆઈ (EDII) ખાતે પણ “સ્ટાર્ટ અપ ડે”ની ઊજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્ય સરકારના આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ માટે મહાપાલિકા અને પાલિકા કક્ષાએ ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ થાય તેવા પ્રયાસ છે. તેમાં પણ અમદાવાદ અને સુરતમાં મોટા પ્રમાણમાં સ્ટાર્ટઅપ સેમિનાર થાય તે દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે.
વધુમાં તેમણે ઉમેર્યુ કે, વાઇબ્રન્ટ સમિટની જેમ સ્ટાર્ટઅપ સમિટ ગુજરાતમાં યોજાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આ સાથે સ્ટાર્ટઅપ કારનારા લોકોને રોકાણકારો મળી રહે તે અંગે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.