અમદાવાદ.1 માર્ચ 2026: Government should help bring back Gujaratis stranded in Gulf countries ઈરાન વિરુદ્ધ ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધના કારણે અનેક ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ઈરાન અને ઈઝરાયલ ઉપરાંત અબુધાબી, દુબઈ, બહેરીન, કતાર અને અન્ય ગલ્ફ દેશોમાં ડ્રોન હુમલાઓ, મિસાઈલ અને હવાઈ હુમલાના સતત અહેવાલો મળ્યા કરે છે, ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગુજરાતી સમુદાયના સભ્યો રહે છે. ભારત સરકાર અને રાજ્ય સરકારે તેમની સલામતી, સુરક્ષા અને તેમના વ્યવસાયો અને કાર્યસ્થળોના રક્ષણ માટે પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ. તેમજ ગુજરાતીઓ પરત ફરવા માંગતા હોય તો ભારત અને ગુજરાતના અધિકારીઓએ સુરક્ષિત ગુજરાત આવવા તેમના માટે મફત વ્યવસ્થા કરવી જોઈએ તેમ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
અમેરિકા અને અન્ય દેશોમાં જઈ રહેલા ગુજરાતીઓની ફ્લાઈટ દુબઈ, કુવૈત કે અબુધાબીમાં રોકી રખાતા પ્રવાસીઓ ત્યાં જ ફસાઈ ગયા છે. ગુજરાતના નડિયાદના પ્રિતેશભાઈ પટેલ તથા હીનાબેન પટેલના પરિવારે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે પ્રિતેશભાઈ અને હીનાબેન અમેરીકા જતા હતા, પરંતુ કુવૈત ખાતે ફસાયા છે. આ ઉપરાંત ઉમરા કરવા ગયેલા અનેક ગુજરાતી યાત્રિકો સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ફસાયા હોવાની માહિતી મળી છે. આ યાત્રિકોનો મુશ્કેલી વર્ણવતો વિડીયો પણ વાયરલ થયો છે. ગુજરાતી પરિવારોને ગુજરાત લાવવા સરકાર તુરંત વ્યવસ્થા કરે તે માટે શક્તિસિંહ ગોહિલે પ્રધાનમંત્રીને તથા વિદેશ મંત્રીને ઈમેઈલ કર્યો છે. જ્યાં સુધી પરત ના લાવી શકાય ત્યાં સુધી મોટાભાગના દેશોએ જે રીતે પોતાના નાગરિકોને માટે હોટલ અને ભોજનની વ્યવસ્થા કરી છે તે રીતે આપણી એમ્બેસીઓ પણ તુરંત વ્યવસ્થા કરે તેવી માંગણી કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન કે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ગલ્ફમાં ગુજરાતી સમુદાયના સભ્યોની સલામતી અને સુરક્ષા અંગે એકપણ નિવેદન આપવામાં આવ્યું નથી. ઉપરાંત, ગુજરાત દરિયાકાંઠાનું રાજ્ય હોવાને કારણે ગુજરાતનો ગલ્ફ દેશો સાથે સદીઓ જૂનો વ્યાપાર અને વેપાર સંબંધ છે. કચ્છ, સલાયા, પોરબંદર અને જામનગરથી હજારો નાના જહાજો દરરોજ ગુજરાત અને ગલ્ફ દેશો વચ્ચે ફેરી કરે છે અથવા માલ અને ચીજવસ્તુઓનું પરિવહન કરે છે. ભારત અને ગુજરાત સરકારે ખાતરી કરવી જોઈએ કે ચાલુ યુદ્ધને કારણે તેમના વેપાર અને વ્યવસાયો અવરોધાય નહીં અને તેમને જરૂરી સહાય પૂરી પાડવી જોઈએ.

