
અમદાવાદઃ કોરોનાના પોઝિટિવ કેસ વધતા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકુફ રાખવામાં આવ્યું છે. રાજ્યની જનતાના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ રાજ્યમાં કોરોનાની સ્થિતિ ઉપર મુખ્યમંત્રી અને ગુજરાત સરકારની સતત નજર છે. તેમજ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. તેમ રાજ્યના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ સમિટને કારણે ગુજરાતને ફાયદો થશે. છેલ્લા છ સપ્તાહથી દર સોમવારે ઉદ્યોગકારો સાથે ઓમઓયુ કરવામાં આવ્યાં છે. સમિટના આયોજનનો નિર્ણય કરાયો ત્યારે કોરોનાના કેસ ઓછા હતા. જો કે, કોરોનાના કેસ વધતા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને નિર્ણય કરવામાં આવ્યો છે. દર સપ્તાહે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એસઓપીની જાહેરાત કરવામાં આવે છે. રાજ્યની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. રાજ્યમાં એક સપ્તાહથી કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકાર કોરોનાની પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યાં છે. તેમજ દરરોજ કોર કમિટીની બેઠક યોજાય છે. જેમાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવે છે. રાજ્યની સ્કૂલોમાં ઓફલાઈન એજ્યુકેશન આપવુ કે કેમ તેનો નિર્ણય સમય અનુસાર લેવામાં આવશે.
બીજી તરફ કોરોનાની પરિસ્થિતિ વિકટ બનતા રાજ્યના ઉચ્ચ અધિકારીએ તમામ કલેકટરો અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમજ કોરોનાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરીને સરકારની ગાઈડલાઈનનું પાલન કરાવવા સૂચના આપી હતી. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં મનપાના ઉચ્ચ અધિકારીઓની પણ બેઠક મળી હતી.