
રાજ્યમાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના વણઉકલ્યા પ્રશ્નો માટે સરકારનું ઉદાસિન વલણ
અમદાવાદઃ રાજ્યમાં ગ્રાન્ટડ માધ્યમિક શાળાઓ અને શાળાના શિક્ષકોના વણ ઉકેલ્યા પ્રશ્ને સરકારનું ઉદાસિન વલણથી શિક્ષકોએ આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે.બિનસરકારી અનુદાનિત તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિવિધ પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. જેમાં પાંચ વર્ષની સળંગ નોકરી, સાતમા પગાર પંચ એરિયર્સના બાકી ત્રણ હપ્તા,જૂના શિક્ષકની ભરતી, જૂની પેન્શન યોજનાનો અમલ, ગ્રાન્ટેડ શાળામાં બદલીનો લાભ તથા અન્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે.
રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રશ્નો અંગે વખતોવખત શિક્ષણમંત્રી, શિક્ષણસચિવ તથા નાણામંત્રીને રજૂઆત કરી છતાં લાંબા સમયથી પ્રશ્નો ન ઉકેલાતા શિક્ષકોમાં વ્યાપક પ્રમાણમાં રોષની લાગણી છે. સંગઠનની વારંવારની પ્રાંત સંગઠનને પડતર પ્રશ્નોના ઉકેલ અંગે થયેલી રજૂઆતને ધ્યાને રાખી રાજ્ય કારોબારીની બેઠક બોલાવવામાં આવી હતી. વિવિધ પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ નહીં આવે તો નાછૂટકે સ્થગિત કરેલા આંદોલનને ફરીથી શરૂ કરવું તથા ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવું તેવો પ્રાંત કારોબારીએ સર્વાનુમતે નિર્ણય કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગ્રાન્ટડ માધ્યમિક શાળાઓના વણઉકેલ પ્રશ્નોનો ઉકેલ ન આવતા ગત તા. 1 ઑગસ્ટથી 9 ઑગષ્ટ સુધી સોશિયલ મીડિયામાં અસરકારક રીતે આંદોલન ચલાવવામાં આવ્યુ હતું. જે અન્વયે તા. 9 ઑગસ્ટ 2021ના રોજ પડતર પ્રશ્નોના ઉકેલ માટે શિક્ષણસચિવની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. તેમાં મહત્વના પ્રશ્નો ન ઉકેલાતા ત્યારબાદ સંપર્ક અભિયાન દ્વારા ગુજરાત રાજ્યના 20થી પણ વધુ ધારાસભ્યો દ્વારા આ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકારને ભલામણ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન સરકાર બદલાતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગાંધીનગર મુકામે આપવામાં આવેલ ધરણા રદ કરી આંદોલન સ્થગિત કર્યું હતુ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત વિવિધ પડતર પ્રશ્નોનો શાંતિમય રીતે સંવાદથી ઉકેલ આવે તેવું ઈચ્છે છે.