
ભારતીય માછીમારો ઉપર ગોળીબારની ઘટનામાં સરકારનું પાકિસ્તાન સામે આકરુ વલણ
- પાક. રાજદ્વારીને પાઠવ્યુ સમન્સ
- ગોળીબારની ઘટનામાં એક માછીમારનું થયું હતું મોત
- અન્ય એક માછીમાર થયો હતો ઘાયલ
દિલ્હીઃ ભારતીય માછીમારો ઉપર ગોળીબાર કરવા મુદ્દે ભારત દ્વારા પાકિસ્તાની રાજદ્વારીને સમન્સ પાઠવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં એક ભારતીય માછીમારનું મોત થયું હતું. જ્યારે એક માછીમાર ઘાયલ થયો હતો. આ ઘટનાને પગલે ગુજરાત પોલીસની ટીમે પાકિસ્તાનના 10 જવાનો સામે ફરિયાદ નોધીને તપાસ શરૂ કરી છે. ગોળીબારની આ ઘટનાની ભારતે નિંદા કરી છે.
ભારતીય માછીમારની હત્યા મુદ્દે ભારતે આકરુ વલણ અપનાવ્યું છે. ભારત તરફથી પાકિસ્તાની રાજદ્વારીને સમન્સ મોકલ્યું છે. બે અલગ-અલગ બોટમાં સવાર પાકિસ્તાન મરિન સિક્યુરિટી એજન્સીના જવાનોએ ભારતીય માછીમારોની બોટ ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ બનાવમાં મહારાષ્ટ્રના પાલઘરમાં રહેનારા 32 વર્ષિય માછીમાર શ્રીધર રમેશને ગોળી વાગતા તેનું મોત થયું હતું. જ્યારે દિલીપ સોલંકી નામના અન્ય એક ભારતીય માછીમાર ગોળીબારમાં ઘાયલ થયો હતો.