Site icon Revoi.in

ચુડા તાલુકાના ચમારડી ગામે પૌત્રને બચાવવા જતા દાદા પણ નદીમાં તણાયા, બન્નેના મોત

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના ચુડા તાલુકાના ચમારડી ગામ નજીક ઢોર ચારવા માટે ગયેલો માલધારી સમાજનો કિશોર વાસણ નદીમાં તણાવા લાગતા યુવાનના દાદા પૌત્રને બચાવવા માટે નદીમાં પડ્યા હતા. પણ નદીમાં પાણઈનો પર્વાહ વધુ હોવાથી પૌત્ર અને દાદા તણાતા ડૂબી જવાથી બન્નેના મોત નિપજ્યા હતા. આ ઘટનાથી નાનાએવા ચમારડી ગામમાં શોક વ્યાપી ગયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચમારડી ગામે એક કરુણ ઘટના સામે આવી છે. માલધારી સમાજના ચાવડા કરણભાઈ કાનાભાઈ અને તેમના પૌત્ર ચાવડા નરેશભાઈ દોલાભાઈ વાસણ નદીના વેણમાં ડૂબી ગયા હતા. માલધારી સમાજના કરણભાઈ કાનાભાઈ ચાવડા અને તેમનો પૌત્ર નરેશભાઈ દોલાભાઈ ચાવડા ગામ નજીક પશુ ચરાવી રહ્યા હતા. તે દરમિયાન પૌત્ર નરેશ નદીના પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. પૌત્રને બચાવવા માટે દાદા કરણભાઈએ પણ નદીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ કમનસીબે તેઓ પણ પ્રવાહમાં તણાઈ ગયા હતા.

નદીના કિનારે ઊભેલા અન્ય લોકોએ આ દાદા-પૌત્રને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી તેમને બહાર કાઢ્યા હતા. બાદમાં તેમને તાત્કાલિક ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તપાસ કરતા દાદા અને પૌત્ર બંનેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર ચમારડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચુડા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બંને મૃતકોનું ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.