
ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓને પ્રવાસી શિક્ષકો ફાળવાશે, 36 વિદ્યાર્થીઓનો વર્ગ ફરજિયાત
અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. હાલ ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, શિક્ષકો, અને કર્મચારીઓ વણઉકલ્યા પ્રશ્નો માટે આંદોલન કરી રહ્યા છે. ત્યારે સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. આમ શૈક્ષણિક સત્ર શરૂ થયાને 50 દિવસ બાદ સરકારે નિર્ણય લીધો છે. જે કે, ધોરણ 9 અને 11માં 36 કરતા ઓછા વિદ્યાર્થીઓ હોય તે વર્ગને પ્રવાસી શિક્ષક ફાળવવામાં આવતા નથી. જેને લઇને શાળા સંચાલકોમાં રોષ જોવા મળ્યો છે. જ્યારે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, અગાઉ કોરોનાને કારણે 36ની જગ્યાએ 25 વિદ્યાર્થીઓની ગણતરી કરવામાં આવતી હતી, પરંતુ હવે 36 વિદ્યાર્થીઓનો વર્ગ હોવો ફરજિયાત છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં કાયમી શિક્ષકોની અછત હોવાથી છેલ્લા કેટલાક વર્ષથી પ્રવાસી શિક્ષકથી કામ ચલાવવામાં આવે છે. આ વર્ષે સ્કૂલ શરૂ થયાના 50 દિવસે શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષકની જાહેરાત કરવામાં આવી હતી. હવે પ્રવાસી શિક્ષક તો ફાળવવામાં આવશે, પરંતુ તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા આધારિત શિક્ષકો ફાળવવામાં આવશે. શાળા સંચાલક મંડળનો આક્ષેપ છે કે, જિલ્લા શિક્ષણાધિકારી સરકારના પત્રનું ખોટું અર્થઘટન કરી રહ્યા છે. આ અંગે રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું હતે કે, સરકાર દ્વારા પ્રવાસી શિક્ષક ફાળવવામાં આવ્યા તેમાં એવી જોગવાઈ નથી કે 36 કે તેથી વધુ સંખ્યા હોય તો પ્રવાસી શિક્ષક ફાળવવામાં ના આવે. છતાં જિલ્લા શિક્ષણાધિકારી પોતાની રીતે અર્થઘટન કરે છે. શાળા શિક્ષકો રિકવરી માટે પણ તૈયાર છે. શાળા સંચાલકોની સ્પષ્ટ માંગણી છે કે, તમામ ગ્રાન્ટેડ સ્કુલોને પ્રવાસી શિક્ષક ફાળવવામાં આવે. અન્ય જિલ્લાઓમાં પણ શિક્ષક ફાળવવામાં આવ્યા છે જે સંખ્યાને આધારે નક્કી કરવામાં આવ્યું નથી.
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીના કહેવા મુજબ અગાઉ કોરોનાને કારણે 36 વિદ્યાર્થીઓની જગ્યાએ 25 વિદ્યાર્થીઓ મર્યાદા રાખવામાં આવી હતી, પરંતુ હવે નિયમિત રીતે ધોરણ 9 અને 11માં 36 વિદ્યાર્થીઓ હોય તો જ પ્રવાસી શિક્ષક ફાળવવામાં આવશે.(file photo)