અંતરિક્ષમાં ઈતિહાસ રચનાર ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કરાયાં
નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: 77માં પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે ભારતનું મસ્તક ગર્વથી વધુ ઊંચું થયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય વાયુસેનાના જાંબાઝ ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાને દેશના સર્વોચ્ચ શાંતિકાળ વીરતા પુરસ્કાર ‘અશોક ચક્ર’થી સન્માનિત કર્યા છે. રાજધાનીના કર્તવ્ય પથ પર આયોજિત ભવ્ય સમારોહમાં તેમને આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.
ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો ડંકો વગાડતા ઈતિહાસ રચ્યો છે. તેઓ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પર પગ મૂકનાર પ્રથમ ભારતીય બન્યા છે. જૂન ૨૦૨૫માં તેમણે ઐતિહાસિક ‘એક્સિઓમ મિશન-4‘ હેઠળ 18 દિવસની અંતરિક્ષ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. વર્ષ 1984માં રાકેશ શર્મા પછી અંતરિક્ષમાં જનારા તેઓ બીજા ભારતીય નાગરિક બન્યા છે.
મૂળ લખનૌના વતની શુભાંશુ શુક્લા જૂન 2006માં ભારતીય વાયુસેનાના ફાઈટર સ્ટ્રીમમાં જોડાયા હતા. એક અનુભવી લડાકુ પાઈલટ તરીકે તેમની પાસે 2000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. તેમણે સુખોઈ-30 એમકેઆઈ, મિગ-21, મિગ-29, જગુઆર અને હોક જેવા અત્યાધુનિક યુદ્ધવિમાનો પર પોતાની કુશળતા સાબિત કરી છે.
એક્સિઓમ-4 મિશન દરમિયાન તેમણે પાઈલટની મહત્વની ભૂમિકા ભજવી હતી અને અંતરિક્ષમાં અનેક જટિલ વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા હતા, જેની પ્રશંસા નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી અને ઈસરોના નિષ્ણાતોએ પણ કરી છે. તેમની આ સિદ્ધિ ભારતની માનવ અંતરિક્ષ ઉડાન ક્ષમતા અને વૈશ્વિક અવકાશ મંચ પર ભારતની મજબૂત પકડનું પ્રતીક છે.
આ પણ વાંચોઃફિલિપાઈન્સ: 300 મુસાફરો ભરેલી ફેરી દરિયામાં ડૂબી, 13ના મોત


