Homeગુજરાતીદેશ-વિદેશજીએસટી કલેક્શનમાં વધારો: ઓગસ્ટમાં 15 ટકા વધીને 1.99 લાખ કરોડને વટાવ્યો

જીએસટી કલેક્શનમાં વધારો: ઓગસ્ટમાં 15 ટકા વધીને 1.99 લાખ કરોડને વટાવ્યો

નવી દિલ્હી, 1 સપ્ટેમ્બર 2026: દેશના રાજકોષીય મોરચે રાહત અને ઉત્સાહના સમાચાર સામે આવ્યા છે. ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં દેશની કર આવકમાં શાનદાર વધારો નોંધાયો છે. સરકારે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, ઓગસ્ટ માસમાં દેશનો કુલ (ગ્રોસ) ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન વાર્ષિક ધોરણે 15 ટકાના મજબૂત ઉછાળા સાથે 1.99 લાખ કરોડ રૂપિયા (અંદાજે 1,99,800 કરોડ) સુધી પહોંચી ગયું છે. સતત ત્રીજો મહિનો છે જ્યારે જીએસટી રેવેન્યુમાં ડબલ ડિજિટ (બે આંકડામાં) વૃદ્ધિ જોવા મળી છે. અગાઉ જૂન મહિનામાં 13.9 ટકા અને જુલાઈમાં 15.4 ટકાનો વધારો નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઓગસ્ટ 2025માં આ કલેક્શન 1.74 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

  • આયાતથી ટેક્સ કલેક્શનમાં જબરદસ્ત તેજી

જીએસટી કલેક્શનમાં આવેલા આ શાનદાર ઉછાળા પાછળ વિદેશી આયાતની મોટી ભૂમિકા રહી છે. આંકડાઓ દર્શાવે છે કે વિદેશોથી થતી આયાત પર મળતા ગ્રોસ જીએસટી રેવેન્યુમાં પૂરા 29 ટકાનો તગડો ઉછાળો આવ્યો છે. ગત વર્ષે જે આંકડો 48,546 કરોડ રૂપિયા હતો, તે વધીને સીધો 62,604 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. બીજી બાજુ, દેશના આંતરિક બજાર (ઘરેલુ બજાર)માંથી મળતા ટેક્સમાં 9.3 ટકાનો વધારો થયો છે અને ઘરેલુ રેવેન્યુ 1.26 લાખ કરોડથી વધીને 1.37 લાખ કરોડ રૂપિયા થયો છે.

  • રિફંડ વધવાથી નેટ રેવેન્યુની ગતિ થોડી મંદ પડી

એક તરફ ગ્રોસ કલેક્શનમાં રેકોર્ડ બન્યા છે, તો બીજી તરફ ટેક્સ રિફંડમાં ભારે વધારો થવાને કારણે નેટ જીએસટી રેવેન્યુની ગતિ થોડી મંથર રહી છે. ઓગસ્ટ મહિનામાં સરકારે કુલ રિફંડમાં 67.9 ટકાનો મોટો ઉછાળો નોંધાવ્યો છે. ગત વર્ષના 18,935 કરોડ સામે આ વખતે રિફંડ વધીને 31,795 કરોડ રૂપિયા થઈ ગયું છે.

આ દરમિયાન ડોમેસ્ટિક રિફંડમાં 72.6 ટકા અને એક્સપોર્ટ જીએસટી રિફંડમાં 61.8 ટકાનો વધારો નોંધાયો છે. તેની સીધી અસર નેટ કલેક્શન પર પડી છે, જે 8.3 ટકા વધીને 1.68 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિના (એપ્રિલ-ઓગસ્ટ) દરમિયાન ગ્રોસ જીએસટી કલેક્શન 11 ટકા વધીને 10.43 લાખ કરોડ રૂપિયા અને નેટ રેવેન્યુ 9 ટકા વધીને 8.90 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

  • રાજ્યોનું પ્રદર્શન: અસમે ચોંકાવ્યા

વિવિધ રાજ્યોના પ્રદર્શન પર નજર કરીએ તો, ઉત્તર પ્રદેશે ડોમેસ્ટિક જીએસટી કલેક્શનમાં 19 ટકાની શાનદાર વૃદ્ધિ હાંસલ કરી છે. આ ઉપરાંત તેલંગાણામાં 16 ટકા, ગુજરાતમાં 15 ટકા, કર્માટક-કેરળમાં 13 ટકા તથા હરિયાણા અને પંજાબમાં 12 ટકાનો વધારો જોવા મળ્યો છે. દેશમાં સૌથી વધુ ટેક્સ આપતા મહારાષ્ટ્ર રાજ્યમાં 8 ટકાની વૃદ્ધિ સાથે કલેક્શન 28,779 કરોડ રૂપિયા રહ્યું છે. બીજી તરફ કેટલાક રાજ્યોના આંકડા નિરાશાજનક પણ રહ્યા છે. તમિલનાડુના કલેક્શનમાં 1 ટકા, જ્યારે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો છે. રાજસ્થાન અને ગોવા રેવેન્યુમાં પણ 2 ટકાનો ઘટાડો થયો છે. આ બધાની વચ્ચે પૂર્વોત્તરના રાજ્ય અસમે સૌકોઈને ચોંકાવી દીધા છે, જ્યાં ટેક્સ કલેક્શનમાં અણધાર્યો 162 ટકાનો પ્રચંડ ઉછાળો જોવા મળ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular