- નિવૃત્ત લોકોને ફરી નોકરી આપવાને બદલે નિયમિત કર્મચારીઓને પ્રમોશન અને બેરોજગાર યુવાનો માટે તાત્કાલિક ભરતી શરૂ કરો : હેમાંગ રાવલ
અમદાવાદ, 1 સપ્ટેમ્બર, 2026 – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તથા ગુજરાતમાં અન્યત્ર યુવાઓના ભોગે નિવૃત્ત કર્મચારીઓને ફરી નોકરી આપવાનો ખેલ થતો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.
રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોઓર્ડિનેટર શ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્તિ બાદ અધિકારીઓ અને કર્મચારીઓને ફરીથી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નોકરીમાં રાખવાના મામલે RTIથી ચોંકાવનારી વિગતો સામે આવી છે. હવે આ મુદ્દો માત્ર અમદાવાદ પૂરતો મર્યાદિત રહ્યો નથી. ગુજરાતમાં નિવૃત્તિ બાદ ફરીથી સરકારી, અર્ધસરકારી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નોકરી કરતા કર્મચારીઓ અને અધિકારીઓ અંગે રાજ્ય સરકાર શ્વેતપત્ર જાહેર કરે તેવી માંગ કરવામાં આવી છે.
આરટીઆઈમાં થયો ખુલાસો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં RTI દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્ષ 2023-24, 2024-25 અને 2025-26 દરમિયાન નિવૃત્ત થયેલા 210થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓને ફરીથી કોન્ટ્રાક્ટ આધારિત નોકરીમાં લેવામાં આવ્યા છે. આ તો માત્ર ત્રણ વર્ષનો આંકડો છે. વર્ષ 2015થી અત્યાર સુધીની સમગ્ર સ્થિતિ જોવામાં આવે તો અમદાવાદમાં જ એક હજારથી વધુ નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓ નિવૃત્તિ બાદ પણ કોર્પોરેશનમાં કોઈને કોઈ રીતે કામગીરી કરી રહ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. કેટલાક કિસ્સાઓમાં તો 2015માં નિવૃત્ત થયેલા અધિકારીઓ વર્ષ 2026માં પણ કોર્પોરેશનમાં કામગીરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ હિસાબે રાજ્યમાં 10 હજારથી વધુ નિવૃત્ત કર્મચારીઓ ફરી નોકરી કરતા હોઈ શકે
હેમાંગ રાવલે જણાવ્યું હતું કે અમદાવાદમાં જો આવી સ્થિતિ હોય તો સમગ્ર ગુજરાતની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, રાજ્ય સરકારના વિભાગો, બોર્ડ-નિગમો અને અન્ય સરકારી સંસ્થાઓમાં શું સ્થિતિ હશે તેની કલ્પના કરી શકાય છે. કોંગ્રેસને આશંકા છે કે સમગ્ર ગુજરાતમાં ઓછામાં ઓછા 10 હજારથી વધુ નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓ નિવૃત્તિ બાદ પણ કોઈને કોઈ સ્વરૂપે સરકારી વ્યવસ્થામાં કાર્યરત હોઈ શકે છે. આ કોઈ સત્તાવાર આંકડો નથી, પરંતુ સમગ્ર રાજ્યનો વિભાગવાર અને સંસ્થાવાર ડેટા જાહેર કરવામાં આવે તો વાસ્તવિક ચિત્ર ગુજરાતની જનતા સામે આવી શકે છે.
પુનઃનિયુક્તિની પ્રક્રિયા સામે પ્રશ્ન
સૌથી મોટો સવાલ એ છે કે કોઈ કર્મચારી કે અધિકારી સરકારી સેવામાંથી નિવૃત્ત થઈ ગયા બાદ તેમને ફરીથી નોકરી આપવાની જરૂરિયાત ક્યાં ઊભી થાય છે અને આવી પુનઃનિયુક્તિ કયા નિયમ, કયા ઠરાવ અને કઈ મંજૂરીના આધારે કરવામાં આવે છે? જો વિશેષ અનુભવ અથવા નિષ્ણાત સેવાની ખરેખર જરૂર હોય તો ચોક્કસ સમયમર્યાદા અને સ્પષ્ટ કારણ સાથે આવી સેવા લઈ શકાય, પરંતુ નિવૃત્તિ બાદ વર્ષો સુધી એ જ વ્યક્તિને ફરીથી નોકરીમાં રાખવાની વ્યવસ્થા કાયમી રોજગાર વ્યવસ્થાનો વિકલ્પ બની શકે નહીં. સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ સ્પષ્ટ કરવું જોઈએ કે વર્ષોથી નિવૃત્ત થયેલા લોકોને ફરીથી નોકરી આપવાની જરૂર શા માટે પડે છે.
આ પણ વાંચોઃ દીકરીને ભણાવવા 47 વર્ષની માતાએ ખુલ્લા પગે મેરેથોનમાં ભાગ લીધો અને…
નાણાકીય ખેલના ચોંકાવનારા આંકડા
આ મામલામાં પગારની પદ્ધતિ પણ ગંભીર સવાલો ઊભા કરે છે. નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવેલા કેટલાક કર્મચારીઓને ફિક્સ પગાર આપવામાં આવે છે, કેટલાકને તેમના છેલ્લા બેઝિક પગારના આશરે 35 ટકા મુજબ વેતન આપવામાં આવે છે અને કેટલાક કિસ્સામાં ‘પે માઇનસ પેન્શન’ની પદ્ધતિથી વેતન ચૂકવવામાં આવતું હોવાની માહિતી છે. ઉદાહરણ તરીકે, કોઈ અધિકારીનો નિવૃત્તિ સમયે પગાર ₹1.50 લાખ હોય અને તેમને ₹70 હજારનું પેન્શન મળતું હોય તો ‘પે માઇનસ પેન્શન’ની પદ્ધતિમાં પેન્શન બાદની ₹80 હજાર જેટલી રકમ વેતન તરીકે મળતી હોવાનો કિસ્સો બની શકે છે. સવાલ એ છે કે એક જ સંસ્થામાં નિવૃત્ત કર્મચારીઓ માટે વેતન નક્કી કરવાની અલગ-અલગ પદ્ધતિ કેમ છે? કોને ફિક્સ પગાર, કોને 35 ટકા અને કોને ‘પે માઇનસ પેન્શન’ આપવું તેનો નિર્ણય કયા નિયમથી થાય છે અને આ નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે?
કોંગ્રેસે શું માગણી કરી?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસની માંગ છે કે નિવૃત્ત કર્મચારીઓને ફરીથી નોકરી આપવાની આ વ્યવસ્થાની સમગ્ર રાજ્યમાં તપાસ કરવામાં આવે, નિયમવિરુદ્ધ અથવા મનસ્વી રીતે થયેલી નિમણૂકોની સમીક્ષા કરવામાં આવે, જાહેર નાણાંમાંથી થયેલા ખર્ચનો હિસાબ ગુજરાતની જનતા સમક્ષ મૂકવામાં આવે અને હવે પછી જ્યાં સુધી કોઈ ખાસ અને જાહેર હિતની જરૂરિયાત સાબિત ન થાય ત્યાં સુધી નિવૃત્ત કર્મચારીઓના વર્ષો સુધી કોન્ટ્રાક્ટ લંબાવવાની પ્રથા બંધ કરવામાં આવે.
આ પણ વાંચોઃ નવવારી સાડીમાં સજ્જ એક ગુજરાતી મહિલાએ જ્યારે કિલિમાન્જારો શિખર ઉપર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો
ગુજરાતના યુવાનો નોકરી માંગે છે, કોઈની મહેરબાની નહીં. નિવૃત્ત કર્મચારીઓને ફરીથી નોકરી આપીને જો કરોડો રૂપિયા ખર્ચી શકાતા હોય તો એ જ નાણાંનો ઉપયોગ નવી ભરતી કરીને યુવાનોને રોજગાર આપવા માટે થવો જોઈએ. એક તરફ નિવૃત્ત થયેલા લોકોને વર્ષો સુધી નોકરી અને બીજી તરફ નોકરી માટે ભટકતા યુવાનો છે, ત્યારે સરકારે હવે નક્કી કરવાનું છે કે તેને નિવૃત્ત અધિકારીઓની જૂની વ્યવસ્થા જાળવવી છે કે ગુજરાતના યુવાનો માટે નવી રોજગારીની તકો ઊભી કરવી છે.


