HomeAgency Newsદીકરીને ભણાવવા 47 વર્ષની માતાએ ખુલ્લા પગે મેરેથોનમાં ભાગ લીધો અને...

દીકરીને ભણાવવા 47 વર્ષની માતાએ ખુલ્લા પગે મેરેથોનમાં ભાગ લીધો અને…

રિવોઈ ન્યૂઝ, 1 સપ્ટેમ્બર, 2026 –  માતાના સ્વરૂપમાં સ્ત્રીની મક્કમતા અને હિંમતની હજારો વાસ્તવિક વાતો ભારતીય સમાજમાં મળી આવે છે. માતાઓને આ ક્ષમતા અને શક્તિ કોણ આપતું હશે એ તો આજ સુધી જાણી નથી શકાયું. પરંતુ ભારતીય સમાજમાં સમયાંતરે આવી માતાઓ ઝળહળતા પ્રકાશપુંજની જેમ ઝળકી ઊઠે છે. અને હવે તેમાં એક ઉમેરો થયો છે.

વાત છે રમાબાઈ રણવીરની. એક વિધવા અને પોતાના પરિવારની એકમાત્ર કમાનાર વ્યક્તિ તરીકે તેઓ તેમની પુત્રીઓના ઉચ્ચ શિક્ષણ (એક પુત્રી B.Sc.નો અભ્યાસ કરી રહી છે જ્યારે બીજી પોલીસ ભરતીની તૈયારી કરી રહી છે) માટે સખત મહેનત કરે છે.

રોજિંદા સંઘર્ષનો સામનો કરી રહેલા રમાબાઈને જાણવા મળ્યું કે તેમના શહેરમાં દોડવાની એક સ્પર્ધા યોજાવાની છે અને તેમાં જે જીતે તેને રૂપિયા 3000નું ઈનામ મળશે. પોતાની દીકરીઓનાં પાઠ્યપુસ્તકો ખરીદવા અને ફી ભરવા માટે 3000 રૂપિયાનું રોકડ ઇનામ જીતવાના ખાસ હેતુથી તેમણે આ રેસમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચોઃ નવવારી સાડીમાં સજ્જ એક ગુજરાતી મહિલાએ જ્યારે કિલિમાન્જારો શિખર ઉપર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો
મક્કમ મનોબળ સિવાય રમાબાઈ પાસે બીજું કશું જ નહોતું

મહારાષ્ટ્રના અંબાજોગાઈ ગામના 47 વર્ષીય માતા રમાબાઈ રણવીરે ‘અમૃત દોડ’ નામની સ્થાનિક મેરેથોન વિશે સાંભળ્યું, ત્યારે તેમણે તેમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો. વિજેતાને 3000 રૂપિયા મળવાના હતા. ઘણા લોકો માટે 3000 રૂપિયા કદાચ નાની રકમ લાગી શકે છે. પરંતુ પોતાનાં બાળકોનાં સપનાં પૂરાં કરવા માટે સંઘર્ષ કરતી માતા માટે આ રકમ ખૂબ મોટી બાબત હતી. તેનાથી શિક્ષણમાં મદદ થઈ શકતી હતી. તેનાથી ફી ભરી શકાતી હતી. તેનાથી તેમની પુત્રીઓને તેમનાં સપનાં તરફ એક ડગલું આગળ વધવામાં મદદ મળી શકતી હતી.

તેમની પાસે દોડવા માટેના યોગ્ય શૂઝ, વ્યાવસાયિક સ્પોર્ટ્સવેર કે ખાસ તાલીમ નહોતી. પરંતુ તેમની પાસે આ બધા કરતાં વધુ મજબૂત કંઈક હતું…. તેમની પુત્રીઓ માટેનું એક સપનું અને તેમનું શિક્ષણ ચાલુ રહે તે સુનિશ્ચિત કરવાનો દ્રઢ નિશ્ચય.

અને ખુલ્લા પગે દોટ મૂકી…

જોકે વ્યાવસાયિક એથ્લેટિક માટે જરૂરી એવો ડ્રેસ કે તાલીમ ન હોવા છતાં તેમણે 3 કિલોમીટરની રેસમાં ભાગ લીધો. તેઓ સાદી સાડી અને સ્લીપર પહેરીને જ મેરેથોનમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા. તેમની આસપાસ નાની વયના દોડવીરો હતા, જેમાંથી ઘણા વધુ સારી રીતે તૈયાર થયેલા હતા અને દોડવાના યોગ્ય શૂઝ પહેરેલા હતા. પરંતુ રમાબાઈના હૃદયમાં માત્ર એક જ લક્ષ્ય હતું: તેમની પુત્રીઓ અને તેમના ભવિષ્ય માટે દોડવું.

ખૂબ લડી મર્દાની, વો અંબાજોગાઈ વાલી રમાબાઈ થી…

જેવી રેસ શરૂ થઈ તેમના સ્લીપર મુશ્કેલી ઊભી કરવા લાગ્યા અને તેમની ગતિ ધીમી પાડવા લાગ્યા. તેઓ રોકાઈ શક્યા હોત. તેઓ હાર માની શક્યા હોત. પરંતુ તેમણે એવું ન કર્યું. એના બદલે રમાબાઈએ પોતાના સ્લીપર કાઢી નાખ્યા, તેને હાથમાં પકડ્યા અને ખુલ્લા પગે દોડવાનું ચાલુ રાખ્યું. અને આખરે પોતાની કરતા ઘણી નાની વયના સહ-સ્પર્ધકોને હરાવ્યા. રમાબાઈ રણવીરે સૌથી પહેલા ફિનિશ લાઇન પાર કરી અને મેરેથોન જીતી લીધી. તેમણે 3000 રૂપિયાની ઈનામી રકમ જીતી લીધી, જેનો ઉપયોગ તેઓ પોતાની પુત્રીઓના શિક્ષણમાં કરવા માંગતા હતા. એ તો હકીકત છે કે, માતાથી મોટો કોઈ યોદ્ધા નથી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular