Homeગુજરાતીદેશ-વિદેશSCO શિખર સંમેલન: મોદી અને જિનપિંગની મુલાકાત ચર્ચાનો વિષય, શહેબાઝ શરીફની થઈ...

SCO શિખર સંમેલન: મોદી અને જિનપિંગની મુલાકાત ચર્ચાનો વિષય, શહેબાઝ શરીફની થઈ ફજેતી

બિશ્કેક, 1 સપ્ટેમ્બર 2026: કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે યોજાયેલા 26મા શંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન દરમિયાન વૈશ્વિક રાજકારણના અનોખા દૃશ્યો જોવા મળ્યા હતા. આ સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની વાતચીત અને નિકટતા ચર્ચાનો વિષય બની હતી, તો બીજી બાજુ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ વૈશ્વિક મંચ પર એકાંત અને નજરઅંદાજ થવાને કારણે ચર્ચામાં આવ્યા હતા.

સંમેલન દરમિયાન તમામ વૈશ્વિક નેતાઓએ સાથે મળીને ગ્રુપ ફોટો પડાવ્યો હતો. આ તસવીર ખેંચાયા બાદ જ્યારે તમામ નેતાઓ બહાર જઈ રહ્યા હતા, ત્યારે વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હસતાં-હસતાં પરસ્પર વાતચીત કરતા આગળ વધ્યા હતા, પરંતુ આ દરમિયાન પાકિસ્તાની વડાપ્રધાન શહેબાઝ શરીફ પોતાની જગ્યા પર હાથ બાંધીને ઊભા જ રહી ગયા હતા.

  • ગ્રુપ ફોટો દરમિયાન પાકિસ્તાની વડાપ્રધાનની ત્રણ વખત થઈ ફજેતી

સામે આવેલા વિડિયો ફૂટેજ મુજબ, આ શિખર સંમેલનના ગ્રુપ ફોટો સેશન દરમિયાન શહેબાઝ શરીફની જાહેરમાં ત્રણ અલગ-અલગ પ્રસંગે ભારે અવગણના થઈ હતી, જેને કારણે રાજકીય વર્તુળોમાં તેમની કિરીકરી થઈ રહી છે:

પ્રથમ પ્રસંગ: ગ્રુપ ફોટો માટે જ્યારે તમામ રાષ્ટ્રાધ્યક્ષો મંચ પર ભેગા થઈ રહ્યા હતા, ત્યારે વડાપ્રધાન મોદીને જોઈને રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ખાસ અટક્યા હતા. પુતિને પીએમ મોદી સાથે ઉત્સાહથી હાથ મિલાવ્યો હતો અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પણ પીએમ મોદી સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન શહેબાઝ શરીફ રશિયન રાષ્ટ્રપતિ પુતિનની બિલકુલ બાજુમાં જઈને ઊભા રહી ગયા હતા, પરંતુ પુતિને તેમની તરફ જોયું સુદ્ધાં નહોતું.

બીજો પ્રસંગ: ગ્રુપ ફોટો પૂર્ણ થયા બાદ જ્યારે પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે હસતાં-હસતાં વાતચીત કરતા હોલની બહાર નીકળી રહ્યા હતા, ત્યારે તેમણે પાકિસ્તાની વડાપ્રધાન શહેબાઝ શરીફ તરફ જોવાની કે ધ્યાન આપવાની પણ તસ્દી લીધી નહોતી.

ત્રીજો પ્રસંગ: ગ્રુપ ફોટો પત્યા પછી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ મંચ પરથી સીધા બહાર જવા માટે રવાના થયા અને તેમણે પણ શરીફની અવગણના કરી હતી. પોતાની આ પ્રકારે જાહેરમાં અવગણના બાદ આખરે શરીફ દોડીને પુતિનની પાછળ ગયા હતા અને કૂટનીતિક મજબૂરીમાં તેમનો હાથ પકડીને વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો.

  • ભારત-રશિયા સંબંધો અને ભારત-ચીન સરહદીય તણાવની પૃષ્ઠભૂમિ

આ મહત્વપૂર્ણ સંમેલનના એક દિવસ અગાઉ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં વિશેષરૂપે ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા અને કૂટનીતિક વાતચીત દ્વારા તેના ઉકેલ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં લદાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદથી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. જો કે, એસસીઓ જેવા વૈશ્વિક મંચો પર વૈશ્વિક નેતાઓ વચ્ચેની આ પ્રકારની હિલચાલ અને કૂટનીતિક સંવાદો આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular